સાધુના વેશમાં આવતી ગેંગ સક્રિય, વાતોમાં ફસાવી દાગીના પડાવી લીધાની બે ઘટના

રાજકોટમાં વેગેનારમાં સાધુના વેશમાં નીકળેલી ગેંગ વાતોમાં સંમોહિત કરી ચેન- વીંટી સહિતની મત્તા તફડાવી લેવાની બે ઘટના આજરોજ સવારના સુમારે બનવા પામી છે. જાણવા મળતી…

રાજકોટમાં વેગેનારમાં સાધુના વેશમાં નીકળેલી ગેંગ વાતોમાં સંમોહિત કરી ચેન- વીંટી સહિતની મત્તા તફડાવી લેવાની બે ઘટના આજરોજ સવારના સુમારે બનવા પામી છે.

જાણવા મળતી વિગતો મુજબ, શહેરના અયોધ્યા ચોક પાસે બી ડાયમંડ પાર્કમાં રહેતા પ્રફુલભાઈ નટવરભાઈ વસાણી (ઉ.વ 63) દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અરજી કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, તેઓ અગાઉ રાજકોટ એસ.પી. કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા અને હાલ નિવૃત્તિનું જીવન જીવતા આજરોજ સવારના તેઓ વોકિંગમા નીકળ્યા હતા દરમિયાન અહીં અયોધ્યા ચોક પાસે એક સફેદ કલરની વેગેનાર કાર તેમની બાજુમાં આવી કારચાલકે કાર ઉભી રાખી હતી. કારચાલકની બાજુમાં સાધુ જેવો વેશધારણ કરેલ શખસ બેઠો હતો અને પાછળ અન્ય એક એક શખસ સહિત કુલ ત્રણ શખસો બેઠા હતા. સાધુ જેવા દેખાતા આ શખસે પ્રફુલભાઈને બોલાવી નજીકમાં આશ્રમ ક્યાં છે અમારે ત્યાં રોકાવું છે તેવું પૂછ્યું હતું. જેથી પ્રફુલભાઈએ કહ્યું હતું કે નજીકમાં આશ્રમ નથી પરંતુ એક ગૌશાળા છે જેથી આ શખસે કહ્યું હતું કે અમે ગૌશાળામાં નહીં રોકાઈ.

બાદમાં તેમણે પ્રફુલભાઈને કહ્યું હતું કે, તમારે સંતાનમાં એક પુત્ર છે. પ્રફુલભાઈને ખરેખર સંતાનમાં એક પુત્ર હોય તેઓ આ શખસની વાતથી પ્રભાવિત થયા હતા આ શખસે તેમની પાસેથી મોબાઇલ માંગ્યો હતો જેથી પ્રફુલભાઈ તેમને મોબાઈલ આપતા મોબાઈલ જોઈ પરત આપી દીધો હતો. ત્યારબાદ સાધુ જેવા જણાતા આ શખસે પ્રફુલભાઈને રૂૂપિયા 500 આપી કહ્યું હતું કે, આ પૈસામાંથી પશુને ચારો નાખજો વધે તે પૈસા તમારી પાસે રાખજો. હિન્દીમાં વાત કરતા આ શખસે કહ્યું હતું કે તુમ્હારા ખૂબ અચ્છા હોગા ત્યારબાદ આ શખસે વૃદ્ધ પાસેથી તેમની ઘડિયાળ અને ચેઇન માંગ્યો હતો. જે જોઈ બંને પરત આપી દીધા હતા.

થોડીક ક્ષણોમાં ફરી ચેઇન અને ઘડિયાળ વૃધ્ધ પાસે માંગી હતું કે હું આ બંને પહેરું જેથી વૃધ્ઘે હા કહી હતી. ત્યારબાદ તેણે ચેન અને ઘડિયાળ પહેરી વૃદ્ધ કઈ સમજે તે પૂર્વે જ કારચાલકે કાર ભગાવી મૂકી હતી. જેથી વૃદ્ધને આ શખસો તેમની પાસેથી ચેન અને ઘડિયાળ સેરવી ગયાનો ખ્યાલ આવ્યો હતો તેમણે કાર નંબર જોવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં કોઈ નંબર ન હતા એપ્લાઇડ ફોર રજીસ્ટ્રેશન લખ્યું હતું. આ ઘટના અંગે પરિવારજનોને વાત કર્યા બાદ તેમણે આ મામલે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન આવી સમગ્ર બનાવની જાણ કરતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી.

ત્યારબાદ બીજી ઘટના રેલનગર વિસ્તારમા પણ સવારના સમયે બની હતી. જેમાં વોકિંગમાં નીકળેલા એક વ્યક્તિને આ ટોળકીએ વાતોમાં ફસાવી તેમની પાસેથી સોનાની વીંટી સેરવી લઈ ત્રણેય શખસો નાશી ગયા હતા. જે અંગે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. આ બંને ઘટના મામલે સ્થાનીક પોલીસ દ્વારા ટીમો બનાવી સીસીટીવી ફુટેઝનાં આધારે તપાસ શરુ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *