લીંબુડીવાડીમાં પીએસઆઇના પુત્રની ઓફિસમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાઇ ગયો છે. કાલાવડ રોડ પર વિષ્ણુ વિહાર સોસાયટીમાં રહેતા ફાયનાન્સર અને જમીન-મકાન ધંધાર્થી શિવરાજસિંહ જનકસિંહ રાણાની ઓફિસનો લોક તોડી તસ્કર રૂૂ. 10 હજારની રોકડ સહીતની તિજોરી ઉઠાવી ગયા હતા. જે મામલે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી બે શખ્સોની ધરપકડ કરતા તસ્કરો સેલ્ફ ડ્રાઈવમાં વર્ના કાર ભાડેથી મેળવી ચોરીને અંજામ આપવા આવ્યાનું ખુલ્યું હતું.
જે મામલે ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ એચ.પી.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.વી.ગોહિલની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન સીસીટીવી ફૂટેજમાં એક શંકાસ્પદ વર્ના કાર જોવા મળી હતી.
જે કારની તપાસ કરતા એએસઆઈ ચેતનસિંહ ગોહિલ, હેડ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ જાડેજા, ભવદીપસિંહ ગોહિલ,રવિભાઈ ગઢવી,કોન્સ્ટેબલ જયદેવસિંહ પરમાર અને ચંદ્રદીપસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે તસ્કર ઋત્વિક ભરત ઉર્ફે શક્તિ દુધૈયા(ઉવ 26) અને રત્નદીપસિંહ ભરતસિંહ પરમાર (ઉવ 23 બંને રહે. બી એ ડાંગર કોલેજ પાછળ, 25 વારીયા ક્વાર્ટર ) ની જામનગર રોડ પર એઇમ્સ હોસ્પિટલ તરફ જતાં રસ્તેથી વર્ના કાર સાથે ધરપકડ કરી હતી. પોલીસે રોકડ, તિજોરી, કાર મળી કુલ રૂૂ. 10.65 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ઝડપાયેલા શખ્સોએ પોલિસની પૂછપરછમાં કબૂલાત આપી હતી કે, અગાઉ રત્નદીપસિંહે ફરિયાદી પાસેથી રૂૂ. 25 હજારની લોન લીધી હતી. ફરિયાદી પોતે ફાયનાન્સર હોય તેમની ઓફિસમાંથી મોટી રકમ મળશે તેવી આશાએ તેમણે ચોરીનો પ્લાન ઘડ્યો હતો. બંને તસ્કરો અમદાવાદથી સેલ્ફ ડ્રાઇવમાં વર્ના કાર ભાડેથી લઈ આવ્યા હતા અને તે કારમાં જ ચોરીને અંજામ આપી નાસી ગયા હતા.વધુમાં આર્થિક ખેંચ દૂર કરવા બંનેએ ચોરીને અંજામ આપ્યાનું રટણ શરૂૂ કર્યું હતું.ચોરી થઈ તે ઓફીસ હાલમાં પોલીસ કમિશ્નર કચેરી ખાતે ફરજ બજાવતા પીએસઆઇ પુત્રની હોવાનું સામે આવ્યું છે.
