રાજકોટ શેહર અને મેટોડા જીઆઈડીસી વિસ્તારમાંથી ટુ-વ્હિલર, ફોર-વ્હીલર અને ભારે સહિતનાં વાહનોમાંથી બેટરીની ચોરી કરી તરખાટ મચાવનાર રાજકોટની ટોળકીને મેટોડા જીઆઈડીસી પોલીસ ઝડપી લઈ બેટરીની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. ટોળકીના ચાર સભ્યો પાસેથી 120 બેટરી મળી આવી હતી.
ગઇ તા.27/02/2026 ના રાત્રીના અજાણ્યા બે શખસોએ ફરીયાદી ધ્રુવવભાઇ સુરેશભાઇ મીયાત્રા(રહે.અનંતા કૈફે કાંદમ્બરી સોસાયટી શેરી નં.1 રાજકોટ) ની મેટોડા જી.આઇ.ડી.સી. ગેઇટ નં.3 ની સામે મણીદ્રીપ મંદિરની બાજુમાં ગોકુલ ટ્રાન્સપોર્ટની ઓફિસની આગળના ભાગે પડેલ ટાટા ટીપર ગાડી નં.જીજે -03-બીવી-5128 માંથી 150 પાવરની બે બેટરી તથા તેમના પાડોશી આશિષભાઇ ફુગશીયાની આઇસર ટ્રાન્જીસમીક્ષર(ટી.એમ) ગાડી નં.જીજે-03-એચઇ-4884 માંથી 150 પાવરની બે બેટરી મળી કુલ- 4 બેટરી કિ.રૂૂ.20,000 ના મુદામાલની ચોરી થઇ હતી. જે અંગે મેટોડા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવવામાં આવી હતી.
મેટોડા જી.આઈ.ડી.સીના પીઆઇ એસ.એચ.શર્માની રાહબરીમાં અલગ અલગ ટીમો બનાવી નેત્રેમ સીસીટીવી કંટ્રોલ રૂૂમની મદદ લઇ હ્યુમન સોર્સીસ તેમજ ટેકનીકલ સોર્સીસ આધારે ટોળકીનાં ચાર સભ્યોંમાં કિશન ભરત વસાણી (ઉ.વ.25, રહે. વિનોદનગર મેઇન રોડ), પ્રશાંત નિતિનભાઈ માંડલીયા (ઉ.વ.23, રહે.સોમનાથ સોસાયટી, કોઠારીયા રોડ), સચીન સંજય કથિયારીયા (ઉ.વ.25, રહે. ગાયત્રી સોસાયટી શેરી નં.2, ગ્રીન લેન્ડ ચોકડી) અને મકસુદ અબ્દુલ બાકરોલીયા (ઉ.વ.33, રહે. મોહમ્મદીબાગ, કોઠારીયા સોલવન્ટ)ને ઝડપી લીધા હતા. આ ટોળકી પાસેથી પોલીસે કુલ 124 બેટરીઓ શક પડતી મિલ્કત તરીકે કબ્જે કરી છે. આ ટોળકીએ રાજકોટ શહેર અને મેટોડા માંથી બેટરીઓની ચોરી કરી છે. પરંતુ મોટાભાગનાં કિસ્સાઓમાં ફરિયાદો નોંધાઇ નથી. મેટોડા જી.આઇ.ડી.સી પીઆઇ એસ.એચ.શર્મા,હેડ.કોન્સ. યોગીરાજસિંહ જાડેજા,કોન્સ. રાજદીપસિંહ ગોહિલ, રવુભાઇ ગીડા, શક્તિસિંહ જાડેજા, તથા કમાન્ડ એન્ડ કંટ્રોલ રાજકોટ ગ્રામ્યના હેડ કોન્સ. અક્ષયરાજસિંહ જાડેજાએ કામગીરી કરી હતી.
