સીસીટીવી ફૂટેજ અને નિવેદનોના આધારે સીટનો હાઇકોર્ટમાં રિપોર્ટ રજૂ કરાયો
ગણેશ જાડેજા સામે કોઇ પુરાવા મળ્યા નહીં હોવાનો સીટનો અભિપ્રાય
ગોંડલના રાજકુમાર જાટના મૃત્યુ મામલે ગોંડલના ધારાસભ્યના પુત્ર જયોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગણેશ જાડેજા સામે થયેલા આક્ષેપ બાદ આ મામલે સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવી હતી. જેમાં ગણેશ જાડેજાને કલીન ચીટ આપવામાં આવી છે. એસઆઇટીના અધ્યક્ષ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ઝળુ અને ડીવાયએસપી પુરોહિતે કરેલી તપાસ અને નિવેદન બાદ ગુજરાત હાઇકોર્ટમાં ગણેશ ગોંડલનો આ બનાવમાં કોઇ હાથ નહીં હોવાનો રીપોર્ટ હાઇકોર્ટમાં રજુ કર્યો છે.
ગુજરાતમાં બહુ ચર્ચામાં રહેલા ગોંડલ રાજકુમાર જાટનાં મોત મામલાના કેસમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ ઉપર મૃતકના પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા.
બનાવમાં સ્થાનિક પોલીસ અને રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા તપાસ કરી હતી. જેમાં આ ઘટના અકસ્માતની હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. બીજીબાજુ મૃતકના પરિવારજનો દ્વારા ગુજરાત હાઈકોર્ટેમાં પિટિશન કરવામાં આવી હતી અને પોતાના પુત્રની હત્યા કરવામાં આવી હોવાની હાઈકોર્ટમાં અરજી કરી હતી.
આથી આ બાબતની તપાસ કરવા માટે કોર્ટના આદેશથી એસઆઈટીની રચના કરવામાં આવી જેમાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ અને ડીવાયએસપી જે.ડી. પુરોહિતની આગેવાનીમાં એસઆઈટીની ટીમ દ્વારા તપાસ શરૂૂ કરવામાં આવી હતી. જેમાં તપાસ ટીમે બનાવ સ્થળની આજુબાજુના સીસીટીવી કેમેરાના ફૂટેજ, અકસ્માતના બસ ડ્રાઈવરનું નિવેદન, ગણેશ ગોંડલ અને સાથીઓના નિવેદન વિવિધ પાસાઓની ત્રણ મહિના સુધી તપાસ કરી ગુજરાત હાઈકોર્ટમાં એસઆઈટી દ્વારા રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો જેમાં રાજકુમાર જાટનું મોત અકસ્માતને લઈને થયું હોવાનું જણાવ્યું હતું.
આ બનાવમાં ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલનો કોઈ હાથ નહીં હોવાનું રિપોર્ટ જણાવવામાં આવ્યું. હાઈકોર્ટમાં રિપોર્ટ ગણેશ ગોંડલને ક્લીનચિટ મળી જતા હાઈકોર્ટ દ્વારા 29 જૂન, 2026ના રોજ મુદત આપવામાં આવી છે. હાલ રાજકુમાર જાટનાં મોતના મામલામાં આક્ષેપો પાયાવિહોણા સાબિત થયા છે.
તપાસમાં ગણેશ જાડેજા વિરુદ્ધ પુરાવા નથી મળ્યા: તપાસ અધિકારી
ગોડલના રાજકુમાર જાટનાં મોતના બનાવ અંગનો તપાસ રિપોર્ટ નામદાર હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. જેમાં ગણેશ ગોંડલનો અકસ્માતના બનાવમાં કોઈ હાથ નહીં હોવોનું જોવા મળ્યું છે. રિપોર્ટમાં શાહેદોના નિવેદનો, સીસીટીવી કેમેરાના ફૂટેજો દસ્તાવેજી પુરાવા સાથેનો તપાસ રિપોર્ટ રજૂ કરી દેવામાં આવ્યો છે. જે.ડી.પુરોહિત, ડીવાયએસપી, એસઆઈટીના તપાસ અધિકારી (ફસ્ટ પર્સન).
