એરપોર્ટ નજીક રિક્ષાચાલકને બચાવવા જતાં કાર પલટી જતા ગાંધીનગરનો પરિવાર ઘવાયો

પુત્રની માનતા પૂરી કરવા સોમનાથ જઈ રહેલા પરિવારની કારને હીરાસર એરપોર્ટ પાસે અકસ્માત નડ્યો રાજકોટના હીરાસર એરપોર્ટ નજીક નેશનલ હાઈવે પર આજે વહેલી સવારે એક…

પુત્રની માનતા પૂરી કરવા સોમનાથ જઈ રહેલા પરિવારની કારને હીરાસર એરપોર્ટ પાસે અકસ્માત નડ્યો

રાજકોટના હીરાસર એરપોર્ટ નજીક નેશનલ હાઈવે પર આજે વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ગાંધીનગરના રહેવાસી શૈલેષભાઈ રોહિતભાઈ ઠાકોર (ઉ.વ. 30) પોતાના પરિવાર સાથે પોતાની ફોરવીલર કાર લઈને ગાંધીનગરથી સોમનાથ જઈ રહ્યા હતા. આ પ્રવાસ પાછળનો હેતુ તેમના 7 વર્ષના પુત્ર રેહાનની માનતા પૂરી કરવાનો હતો. સવારના છ વાગ્યાની આસપાસ જ્યારે તેમની કાર હીરાસર એરપોર્ટ પાસે પહોંચી, ત્યારે અચાનક સામે આવી ગયેલા એક રિક્ષાચાલકને બચાવવા જતાં શૈલેષભાઈએ સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે કાર રસ્તા પર પલટી ખાઈ ગઈ હતી.

આ અકસ્માતમાં કારમાં સવાર શૈલેષભાઈ ઠાકોર, આરતીબેન શૈલેષભાઈ ઠાકોર (ઉ.વ. 50), મંથનભાઈ સોલાજીભાઈ ઠાકોર (ઉ.વ. 29) અને કિરણબેન મંથનભાઈ ઠાકોર (ઉ.વ. 25)ને માથા તેમજ શરીરના ભાગે નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે આ ભયાનક અકસ્માતમાં મોટી જાનહાનિ ટળી હતી.

બીજી તરફ, રાજકોટના આજીડેમ વિસ્તારમાં પણ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. આજીડેમ નજીક આવેલા યુવરાજ નગરમાં રહેતા જગદીશ ભુપતભાઈ ડાભી (ઉ.વ. 18) અને ચેતન વિજયભાઈ સોલંકી (ઉ.વ. 20) રાત્રિના દોઢ વાગ્યાની આસપાસ પોતાનું મોટરસાયકલ લઈને કામકાજ અર્થે નીકળ્યા હતા. તેઓ જ્યારે આજીડેમ નજીક સર્વિસ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પુરપાટ ઝડપે આવતા એક અજાણ્યા ટ્રક ચાલકે તેમના બાઈકને જોરદાર ટક્કર મારી અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં બંને યુવાનો રોડ પર પટકાતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. સ્થાનિક લોકોની મદદથી બંને યુવાનોને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આ મામલે ટ્રક ચાલકની શોધખોળ અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *