રાજકીય અગ્રણીઓમાં શોકની લાગણી
આદિપુરમાં ગાંધીધામ શહેર ભાજપના મંત્રી દીપેશભાઈ મિનાક્ષીબેન ભટ્ટ (ઉ.વ. 39)એ પોતાના ઘરે અગમ્ય કારણોસર ઘરે ગળેફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો હતો. આ ઉપરાંત અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં લાકડા બેન્સામાં રહેતા કિશોર હસીબુલ જલાલુદીન મોહમદ (ઉ.વ. 15)એ પણ ગળેફાંસો ખાઈને આયખું ટૂંકાવ્યું હતું.
વોર્ડ 2/બી મકાન નંબર 42માં રહેતા દીપેશભાઈએ ગત તા. 5/3 ના બપોરના 12:30 વાગ્યાના અરસામાં પોતાના ઘરમાં પંખાના હૂકમાં ચૂંદડી વડે ગળે ફાંસો ખાધો હતો. શહેર ભાજપના મંત્રી તરીકે જવાબદારી સંભાળતા આ યુવાનને કયાં કારણસર આ પ્રકારનું અંતિમ પગલું ભરી લીધું હશે, તે જાણવા પોલીસે અકસ્માત નોંધના આધારે વધુ તપાસ કરી છે. તેમનાં અવસાનને પગલે રાજકીય અગ્રણીઓ સહિતનામાં શોકની લાગણી પ્રસરી હતી આ ઉપરાંત અકસ્માત મૃત્યુનો વધુ એક બનાવ મેઘપર બોરીચીમાં બન્યો હતો.
સર્વોદય લુમ્બર્સમાં રહેતા હસીબુલ જલાલુદીન મોહમ્મદ નામના કિશોરે ગત તા. 5/3ના બપોરના બે વાગ્યાના અરસામાં પોતાના રહેણાક સ્થળે કોઈ કારણોસર ગળે ફાંસો ખાધો હતો. અંજાર સરકારી હોસ્પિટલના ડોક્ટર હરસુલ મલુકાનીએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે અકસ્માતના આધારે બનાવ પાછળનું કારણ જાણવા વધુ છાનબીન આરંભી છે.
