શહેરમાં શ્રાવણીયા જુગારની મૌસમ ખીલી હોય તેમ ઠેર ઠેર જુગારના હાટડાઓ શરૂ થયા છે. ત્યારે ક્રાઈમ બ્રાંચની ટીમે ગ્રીનલેન્ડ ચોકડી નજીક ઈમીટેશનના કારખાનામાં ચાલતાં જુગારધામ ઉપર બાતમીના આધારે દરોડો પાડી પત્તા ટીંચતા કારખાનેદાર વેપારી સહિત છ શખ્સોને રૂા.1.04 લાખની રોકડ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ સી.બી.જાડેજા, એએસઆઈ ચેતનસિંહ ગોહિલ, હેડ કોન્સ્ટેબલ ઉમેશ ચાવડા, દિપક ડાંગર સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન ગ્રીનલેન્ડ ચોકડી પાસે સૈફી રેડીએટર વાળા બિલ્ડીંગમાં પહેલા માળે આવેલા ઈમીટેશનના કારખાનામાં જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતાં કારખાનેદાર રોહિત મનસુખભાઈ વઘાસીયા ઉપરાંત જયદીપ નટુભાઈ સગપરીયા, જયેશ નાથાભાઈ લુણાગરીયા, અતુલ ગોરધનભાઈ મેઘાણી, કલ્પેશ ભીમજીભાઈ મિંદપરા અને સિધ્ધાર્થ તુલસીભાઈ લુણાગરીયાને ઝડપી લઈ પટમાંથી રૂા.1.4 લાખની રોકડ કબજે કરી તમામ વિરૂધ્ધ જુગારધારા એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
