ભારતીય ફોજદારી કેસ સંભાળવા અને ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીનું પ્રતિનિધિત્વ કરવા માટે જાણીતા પ્રખ્યાત વકીલ વિજય અગ્રવાલને લંડનમાં બ્રિટિશ ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યા છે. બ્રિટિશ મીડિયા અહેવાલો અનુસાર, અગ્રવાલ પર યુકેમાં ઇમિગ્રેશન અને વર્ક પરમિટ સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે.
અહેવાલો જણાવે છે કે યુકે ઇમિગ્રેશન અધિકારીઓએ લંડનના મેફેર વિસ્તારમાં એક મિલકતનું નિરીક્ષણ કર્યા પછી તેમની અટકાયત કરવામાં આવી હતી. મકાનમાલિકની ફરિયાદ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું કહેવાય છે. આ નિરીક્ષણ દરમિયાન અગ્રવાલની અટકાયત કરવામાં આવી હતી. તેમણે ભારતમાં અનેક હાઇ-પ્રોફાઇલ કોર્પોરેટ ગુના અને નાણાકીય છેતરપિંડીના કેસ સંભાળ્યા છે. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે બ્રિટિશ અધિકારીઓને શંકા છે કે અગ્રવાલ યુકેમાં જરૂૂરી વર્ક પરમિટ અથવા અન્ય જરૂૂરી ઇમિગ્રેશન ક્લિયરન્સ વિના વ્યાવસાયિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.
ઇમિગ્રેશન અધિકારીઓની કામગીરી દરમિયાન મેફેર પ્રોપર્ટીમાંથી મોટી રકમ રોકડ મળી આવી હતી. અહેવાલો અનુસાર, રોકડના સ્ત્રોતની પણ તપાસ કરવામાં આવી રહી છે. નિરીક્ષણ દરમિયાન અગ્રવાલની પેઢી સાથે સંકળાયેલા ઘણા જુનિયર વકીલો પણ મિલકત પર હાજર હતા. જોકે, અહેવાલોમાં સ્પષ્ટતા કરવામાં આવી નથી કે બ્રિટિશ અધિકારીઓએ તેમની અટકાયત બાદ આગળ શું કાર્યવાહી કરી.
