રાજકોટના નાગરિકો અને ગૃહિણીઓ માટે મોંઘવારીનો વધુ એક મોટો ફટકો પડ્યો છે. રાજકોટ ફ્લોર મિલ એસોસિએશન દ્વારા 15 ઓગસ્ટ (સ્વતંત્રતા દિવસ) થી અનાજ દળવાના ભાવમાં પ્રતિ કિલોગ્રામ ₹1 નો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. આ નવો ભાવવધારો શહેરની 700થી વધુ ફ્લોર મિલો પર સમાન રીતે લાગુ થશે.
અગાઉ 1 કિલો અનાજ દળવાનો ભાવ ₹6 હતો, જે હવે વધીને ₹7 થયો છે. ઘઉં, બાજરી, જુવાર, ચણાની દાળ અને અડદની દાળ સહિતના તમામ અનાજ દળવા પર આ વધારો લાગુ પડશે. વર્ષ 2019માં અનાજ દળવાનો ભાવ ₹5 હતો, જે 2022માં વધારીને ₹6 કરાયો હતો અને હવે 2026માં ₹7 કરવામાં આવ્યો છે. છેલ્લા 4 વર્ષથી વધી રહેલી મોંઘવારી, વીજ બિલ (લાઈટ બિલ) માં થયેલો સતત વધારો તેમજ અન્ય મેન્ટેનન્સ ખર્ચ વધવાને કારણે એસોસિએશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજકોટ ફ્લોર મિલ એસોસિએશનના અધ્યક્ષ પ્રભાત આહીર, પ્રમુખ અતુલ રાજાણી, ઉપપ્રમુખ હીતેષ બગડાઈ અને મંત્રી રાજેન્દ્રસિંહ વાળાની આગેવાની હેઠળ ગત 5 ઓગસ્ટના રોજ મળેલી કારોબારી બેઠકમાં સર્વાનુમતે આ ભાવવધારા પર મહોર મારવામાં આવી હતી. 15 ઓગસ્ટથી અમલી બનનારા આ નિર્ણયથી ગૃહિણીઓના માસિક બજેટ પર સીધી અસર પડશે.
