જસદણમાં મિત્રતાના નાતે વાપરવા આપેલી કાર પરત ન આપી મિત્રએ રૂૂ.6.20 લાખની કાર લઇ જઈ વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. દવાખાનાના કામનું બહાનું બતાવી કાર લઈ ગયેલા શખ્સે ગાડી પરત આપવાને બદલે જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ તપાસ શરૂૂ થઈ છે.
મળતી વિગતો મુજબ જસદણના દહીંસરા ગામે રહેતા અને ખેતીકામ કરતા હરેશભાઈ નાજાભાઈ સોસા (ઉ.વ. 22) એ જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જયદિપ સતાપરાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેઓએ ઓગસ્ટ 2025માં તેમના મિત્ર જયદિપ સતાપરા પાસેથી હપ્તા ભરવાની શરતે સફેદ કલરની મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર નં.GJ-03-NB-0997 ખરીદી હતી. 12 ડિસેમ્બર 2025ના રોજ, હરેશભાઈ જ્યારે જસદણ જકાતનાકા પાસે ખેતલા આપા હોટલ પર ચા પીતા હતા, ત્યારે તેમના મિત્ર અર્જુનભાઈ મહેન્દ્રભાઈ ત્રિવેદી (રહે. જસદણ, જિલ્લેશ્વર પાર્ક) ત્યાં આવ્યા હતા. અર્જુને દવાખાનાના કામ માટે ગાડીની જરૂૂર હોવાનું જણાવી બે દિવસ માટે કાર માંગી હતી. મિત્રતાના નાતે હરેશભાઈએ પોતાની રૂૂ. 6.20 લાખની કિંમતની સ્વિફ્ટ કાર તેને વાપરવા આપી હતી.
ચારેક દિવસ વીતી ગયા બાદ હરેશભાઈએ કાર પરત માંગતા અર્જુને વાયદા શરૂૂ કર્યા હતા. છેલ્લા બે મહિનાથી સતત ગાડીની માંગણી કરવા છતાં અર્જુને ગાડી પરત આપી ન હતી. અંતે જ્યારે હરેશભાઈએ કડક શબ્દોમાં ગાડી માંગી, ત્યારે આરોપી અર્જુન ત્રિવેદીએ ઉશ્કેરાઈને કહ્યું હતું કે, “તારી ગાડી પાછી નથી આપવાની, જે થાય તે કરી લેજે, અને વધારે કાંઈ કહીશ તો જીવતો છોડીશ નહીં”. ફરિયાદીને શંકા છે કે અર્જુને તેમની કાર ક્યાંક વેચી દીધી છે અથવા ગિરે મૂકી દીધી છે. આરોપી સતત વાયદા કરતો હોવાથી ફરિયાદ નોંધાવવામાં વિલંબ થયો હતો. જસદણ પોલીસે હરેશભાઈ સોસાની ફરિયાદને આધારે આરોપી અર્જુન મહેન્દ્રભાઈ ત્રિવેદી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
