રાજકોટમાં રૂૂ. 19 લાખની કિંમતની સુઝુકી કંપનીની હાયાબુસા મોટરસાયકલ ખોટા દસ્તાવેજો અને ઓનલાઇન છેતરપિંડી દ્વારા પોતાના નામે ટ્રાન્સફર કરાવી લેવાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે રેલનગર વિસ્તારમાં રહેતા અને જમીન-મકાનની લે-વેચનો વ્યવસાય કરતા યુવરાજસિંહ દિલુભા રાઠોડે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ ગુનામાં રૈયા રોડ પર આવેલ શિવપરામાં રહેતા રવિરાજસિંહ ભરતસિંહ ઝાલા નામના શખ્સ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવરાજસિંહે ફેબ્રુઆરી 2026માં સુરતના શો-રૂૂમમાંથી આ લક્ઝુરિયસ બાઇક ખરીદી હતી અને આર.ટી.ઓ.ની હરાજીમાં રૂૂ. 2,08,000 ભરીને ફેન્સી નંબર GJ-03-QA-0009′ મેળવ્યો હતો. ગત જૂન મહિનામાં તેમણે આ બાઇક અને તેની અસલ આર.સી. બુક મોરબી ખાતે રહેતા તેમના મિત્ર અમિતભાઈને વાપરવા માટે આપી હતી.
સપ્ટેમ્બર મહિનામાં બાઇકમાં ટેકનિકલ ખામી સર્જાતા યુવરાજસિંહ બાઇક પરત લઈ આવ્યા હતા, પરંતુ અમિતભાઈએ આર.સી. બુક ક્યાંક ખોવાઈ ગઈ હોવાનું જણાવ્યું હતું. આ દરમિયાન, 16 સપ્ટેમ્બર 2026ના રોજ આરોપી રવિરાજસિંહે આ ખોવાયેલી આર.સી. બુક કોઈ પણ રીતે મેળવી લીધી હતી. તેણે ઓનલાઇન એપ્લિકેશનમાં મૂળ માલિકના બદલે પોતાનો મોબાઇલ નંબર અપડેટ કરી દીધો હતો. ત્યારબાદ, આરટીઓ કચેરીના ટ્રાન્સફર માટેના ટી.ટી.ઓ. ફોર્મમાં ફરિયાદીની ખોટી સહીઓ કરીને બોગસ દસ્તાવેજ તૈયાર કર્યો હતો. વાહન ટ્રાન્સફર પ્રક્રિયા વખતે આવતો આરટીઓનો ઓટીપી પણ આરોપીએ પોતાના જ ફોન પર મેળવી લીધો હતો અને રાજકોટ આરટીઓ કચેરીમાં આ ખોટા દસ્તાવેજો સાચા તરીકે રજૂ કરી બાઇક પોતાના નામે ચડાવી દીધી હતી.
આ સમગ્ર કૌભાંડની જાણ ફરિયાદીને ત્યારે થઈ જ્યારે તેમના એક આરટીઓ એજન્ટ મિત્રએ ‘એમ પરિવહન’ એપ ચેક કરીને જણાવ્યું કે બાઇકના માલિક બદલાઈ ગયા છે. ઓનલાઇન તપાસ કરતા ફરિયાદીના આધારકાર્ડ સાથે આરોપીનું આધારકાર્ડ અને નકલી સહીવાળું ફોર્મ મળી આવ્યું હતું. નવાઈની વાત એ છે કે કરોડોની બાઇક કાગળ પર ટ્રાન્સફર થઈ ગઈ હોવા છતાં વાહન પ્રત્યક્ષ રીતે ફરિયાદીની પાસે જ પડ્યું હતું. હાલ પ્રદ્યુમનનગર પોલીસના સબ ઈન્સ્પેક્ટરે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને ઊંડી તપાસ શરૂૂ કરી છે.
