બીપ્રાકની કોન્સર્ટમાં પ્રેક્ષકો લૂંટાયા, આયોજકો કમાયા !

રાજકોટમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી વચ્ચે ગઇકાલે શહેરની ભાગોળે અવધ રોડ ઉપર આવેલ ખાનગી હોટેલમાં સિંગર બીપ્રાકની લાઇવ કોન્સર્ટ યોજાઇ હતી પરંતુ આ કોન્સર્ટમાં રૂા.3500 થી…

રાજકોટમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી વચ્ચે ગઇકાલે શહેરની ભાગોળે અવધ રોડ ઉપર આવેલ ખાનગી હોટેલમાં સિંગર બીપ્રાકની લાઇવ કોન્સર્ટ યોજાઇ હતી પરંતુ આ કોન્સર્ટમાં રૂા.3500 થી 5000 સુધીની મોંઘી ટિકિટો ખર્ચીને ગયેલા પ્રેક્ષકોને લૂંટાઇ ગયા જેવો અનુભવ થયો હતો. જ્યારે ગ્રાઉન્ડ ખીચોખીચ ભરાઇ જતાં આયોજકો કમાઇ ગયા હતા.

ગઇકાલે રાત્રે યોજાયેલ બીપ્રાકની લાઇવ કોન્સર્ટ પૂર્ણ થયા બાદ પ્રેક્ષકોએ ઉકળાટ ઠાલવ્યો હતો અને જણાવ્યુ હતુ કે, એકદમ થર્ડ કલાસ કાર્યક્રમ રહ્યો. જે અપેક્ષાથી પ્રેક્ષકો ગયા હતા તેના કરતા ઉલ્ટો જ અનુભવ થયો હતો અને ભારે કંટાળાજનક કાર્યક્રમ રહ્યો હતો.

બીપ્રાકની લાઇવ કોન્સર્ટ હોવાથી રાત્રે 9/30 વાગ્યે જ ગ્રાઉન્ડ પ્રેક્ષકોથી ખીચોખીચ ભરાઇ ગયુ હતું અને બીપ્રાક સ્ટેજ પર 11 વાગ્યે આવશે તેવુ જણાવાયુ હતું. પ્રેક્ષકો પણ ભારે ઉત્સાહ સાથે સ્ટેજ સામે ગોઠવાઇ ગયા હતા. પરંતુ બીપ્રાક હમણા આવે… હમણા આવે કરતા કરતા 50 મિનિટ સુધી પ્રેક્ષકોને ભૂઠાશેક કરાવતા પ્રેક્ષકો અકળાઇ ઉઠયા હતા અને એક તબક્કે તો હુરિયો પણ બોલાવ્યો હતો.
આ ઉપરાંત સ્ટેજ ઉપર લાંબો સમયથી બીપ્રાકના આગમનનું એનાઉન્સ કરતી એનાઉન્સરને પણ સ્ટેજ ઉપરતી ઉતરી જવા દેકારો મચાવ્યો હતો.

લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ બીપ્રાક રાત્રે 11.50 કલાકે સ્ટેજ પર આવ્યો હતો અને લગભગ દોઢેક કલાક પર્ફોમેન્સ કર્યુ હતું. પરંતુ પ્રેક્ષકોના કહેવા મુજબ બીપ્રાકનું પર્ફોમેન્સ એકદમ કંટાળા જનક રહ્યુ હતું અને આયોજકોએ પૈસા કમાઇ લેવાની વૃતિથી પાસનું વેચાણ કર્યુ હોવાથી ગ્રાઉન્ડમાં ઓવરક્રાઉડ થઇ ગયુ હતું. જેના કારણે સમગ્ર કાર્યક્રમ બોરીંગ રહ્યો હતો. રાજકોટમાં આવા લાઇવ કોન્સર્ટના કાર્યક્રમોમાં હજારો રૂપિયાની ફી પડાવ્યા બાદ પણ પ્રેક્ષકોની અપેક્ષા સાથે રમત કરવાની વૃતિની પણ ભારોભાર ટીકા થઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *