કૌભાંડી અલ્પેશે 9 લાખની લોન આપી સણોસરાના ખેડૂતની કરોડોની જમીન પચાવી પાડી

  રાજકોટ શહેરમાં વ્યાજબખોરી અને જમીન હડપવાના કૌભાંડો આચરનારા મુખ્ય આરોપી અલ્પેશ દોંગા અને તેના સાગરીતો સામે પોલીસનો શિકંજો વધુ મજબૂત બન્યો છે. રાજકોટ ડીસીપી…

 

રાજકોટ શહેરમાં વ્યાજબખોરી અને જમીન હડપવાના કૌભાંડો આચરનારા મુખ્ય આરોપી અલ્પેશ દોંગા અને તેના સાગરીતો સામે પોલીસનો શિકંજો વધુ મજબૂત બન્યો છે. રાજકોટ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાના માર્ગદર્શન હેઠળ ડીસીબીના પીઆઇ એ.એસ. ચાવડા, આર્થિક ગુના નિવારણ શાખાના પીએસઆઇ સી.બી.જાડેજા,જનકભાઈ તથા તેમની ટીમે સઘન કાર્યવાહી કરીને અલ્પેશ દોંગા વિરૂૂદ્ધ વધુ એક ગુનો નોંધ્યો છે. આ નવી ફરિયાદ સાથે જ કૌભાંડી અલ્પેશ દોંગા સામે નોંધાયેલી ફરિયાદોનો કુલ આંક 14 પર પહોંચી ગયો છે. સણોસરા ગામના એક માલધારી ખેડૂતને ઢોરનો તબેલો બનાવવા માટે રૂ.9 લાખની લોન આપી, સિક્યુરીટીના નામે તેમની કિંમતી જમીનનો દસ્તાવેજ કરાવી લીધા બાદ, લોન ચુકતે થઈ ગયા છતાં દસ્તાવેજ રદ કરવા માટે રૂ.1 કરોડની ઉઘાડી લૂંટ ચલાવવા અને લાયસન્સવાળું હથિયાર બતાવી ધમકી આપવા બદલ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ફરિયાદની વિગત મુજબ, આરોપી અલ્પેશ ગોપાલભાઇ દોંગાએ જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ રાજકોટ ખાતેથી ’શ્રી મની પ્લસ શરાફી સહકારી મંડળી લીમીટેડ’ નામે 10 લોકોની અજાણતા બોગસ સહીઓ અને બનાવટી દસ્તાવેજો રજૂ કરી મંડળીની નોંધણી મેળવી લીધી હતી. પોતાની પાસે નાણાં ધીરધારનું કોઈ લાયસન્સ ન હોવા છતાં, સોશિયલ મીડિયા પર જરૂૂરિયાતમંદ ખેડૂતોને સરળતાથી લોન આપવાની લોભામણી જાહેરાતો પ્રસિદ્ધ કરવામાં આવતી હતી. સણોસરા ગામના માલધારી લાલજીભાઈ મેપાભાઈ ફાંગલીયાને ઢોરનો તબેલો બનાવવા પૈસાની જરૂૂરિયાત ઊભી થતાં તેઓ અલ્પેશની ઓફિસે પહોંચ્યા હતા. જમીન પર અગાઉથી બેંક લોન ચાલુ હોવાનું બહાનું બતાવી અલ્પેશે સિક્યુરીટી પેટે જમીનનો દસ્તાવેજ પોતાના મળતિયાઓના નામે કરી આપવાની શરત મૂકી માસિક અઢી ટકાના ઊંચા વ્યાજે રૂ.9 લાખની ધિરાણ રકમ આપી હતી.

ફરિયાદી લાલજીભાઈએ પોતાના માલિકીની ખોરાણા ગામની 4 એકર જમીન પૈકી 2-2 એકર જમીનના દસ્તાવેજ સિક્યુરીટી પેટે આરોપી જીતેન્દ્રભાઈ મનસુખભાઈ નશીત અને પરસોત્તમભાઈ લુણાગરીયાના નામે કરી આપ્યા હતા. સમય જતાં ફરિયાદીએ વ્યાજ અને મૂળ રકમ મળી કુલ રૂૂ. 13.87 લાખ કરતાં વધુ રકમ અલ્પેશની ઓફિસે ચુકતે કરી આપી હતી. લોન ચુકવાઈ ગયા બાદ પરસોત્તમભાઈએ સિક્યુરીટી દસ્તાવેજ રદ કરી આપ્યો હતો, પરંતુ જીતેન્દ્ર નશીત અને તેના ભાગીદાર હરેશ કાંટાવાળાએ દસ્તાવેજ રદ કરવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. લોન પેટે લીધેલા પૈસા ભરપાઈ થઈ ગયા હોવા છતાં, આરોપીઓએ જમીનનો દસ્તાવેજ રદ કરવા માટે ફરિયાદી પાસે વધુ રૂૂ. 1 કરોડની માંગણી કરી હતી અને બાદમાં રૂૂ. 65 લાખ આપવા માટે અસહ્ય દબાણ કર્યું હતું.

પીડિત અરજદાર લાલજીભાઈ ફાગલીયાની ફરિયાદના આધારે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રિજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલીક, નાયબ પોલીસ કમિશ્નર જગદીશ બાંગરવા અને મદદનીશ પોલીસ કમિશ્નર ભરત બી. બસીયાની સૂચનાથી ક્રાઇમ બ્રાંચે ગુનો દાખલ કર્યો છે. આ કૌભાંડમાં પી.આઈ. એ.એસ. ચાવડા, એમ.એલ. ડામોર, સી.એચ. જાધવ તેમજ પી.એસ.આઈ. સી.બી. જાડેજા અને તેમની ટીમના એ.એસ.આઈ. જનકભાઈ કુગશીયા, મહેશભાઈ સોલંકી, એમ.સી. પ્રતાપસિંહ રાઠોડ, સંજયભાઈ અલગૌતર અને નિકુંજભાઈ પટેલ સહિતની ટીમે આરોપીઓ અલ્પેશ ગોપાલભાઇ દોંગા, જીતેન્દ્રભાઈ મનસુખભાઈ નશીત અને હરેશ કાંટાવાળા સામે ભારતીય ન્યાય સંહિતા ની કલમ 308(2), 318(4), 336(3), 338, 61(2) તેમજ ગુજરાત નાણાની ધીરધાર કરનારા બાબત અધિનિયમની કલમ 5, 40, 42 અને આર્મ્સ એક્ટની કલમ 30 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

ખેડૂતને ઓફિસે બોલાવી પિસ્તોલ બતાવી દસ્તાવેજ રદ કરવા એક કરોડની માંગણી કરી
અલ્પેશના સાગરીતો આરોપી હરેશ કાંટાવાળા અને જીતેન્દ્ર નશીતે ખેડૂતને પોતાની ઓફિસે બોલાવીને લાયસન્સવાળું હથિયાર ટીંગાડી ડરનો માહોલ ઊભો કર્યો હતો અને હથિયારના નિયમોનો ખુલ્લેઆમ ભંગ કર્યો હતો. આરોપીઓએ ખેડૂતને ધમકી આપી હતી કે જો માંગેલી રકમ આપવામાં નહીં આવે તો જમીનનો દસ્તાવેજ રદ નહીં થાય અને જમીન પર લેન્ડ ગ્રેબિંગનો કેસ કરીને કબ્જો પડાવી લેવામાં આવશે. આખરે ભોગ બનનાર ખેડૂતે પોલીસનો સંપર્ક કરતા ડીસીબી પોલીસે અલ્પેશ દોંગા, જીતેન્દ્ર નશીત અને હરેશ કાંટાવાળા સામે ભારતીય ન્યાય સંહિતા તથા મની લેન્ડિંગ એક્ટ અને આર્મ્સ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *