મૂળ સુરેન્દ્રનગરના દિગસર ગામના વતની અને હાલ રાજકોટના નાના મવા રોડ પર લક્ષ્મીનગર અંડરબ્રિજ નજીક દાસી જીવણપરા-1 ખાતે રહેતા શિક્ષણ વિભાગના નિવૃત શાસનાધિકારી નરસિંહભાઈ લધરભાઈ વાઢેર (ઉ.વ. 72)ની ફરિયાદને આધારે ચિંતન પરમાર, જેકીકુમાર રામી, લાલજી ઢોલા, સ્વામિનારાયણ સંપ્રદાયના માધવપ્રિય સ્વામી અને દર્શનપ્રકાશ સ્વામી વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ વર્ષ 2012માં ચોટીલા તાલુકામાંથી નિવૃત થયેલા નરસિંહભાઈ અગાઉ મોરબી ખાતે ફરજ બજાવતા હતા ત્યારે તેમનો પરિચય ભાવેશ પરમાર તથા તેમની કાપડની દુકાને બેસતા અને જમીન-મકાન દલાલીનું કામ કરતા ચિંતન અશ્વિનભાઈ પરમાર સાથે થયો હતો.
મે-2020માં ચિંતન પરમારે ડાકોર ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા આશરે 400 વીઘા જમીનમાં ભવ્ય મંદિર બનાવવાની યોજના હોવાનું જણાવી રોકાણ કરવાથી સારું વળતર મળવાની વાત કરી હતી. ત્યારબાદ ભાગીદાર વિપુલભાઈ મનસુખભાઈ કાપડીયાને સાથે રાખી નરસિંહભાઈ, તેમના પુત્ર પિયુષભાઈ, ભત્રીજા જગદિશભાઈ અને ચિંતન પરમાર રાજકોટના ભૂપેન્દ્ર રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે સંતોના ઉતારામાં ગયા હતા. ત્યાં માધવપ્રિય સ્વામી (એમ.પી. સ્વામી), દર્શનપ્રકાશ સ્વામી (ડી.પી. સ્વામી) અને લાલજીભાઈ બાવનભાઈ ઢોલા સાથે મુલાકાત થઈ હતી.
મુલાકાત દરમિયાન આરોપીઓએ ડાકોરના સૂઈ તથા સૈયત ગામમાં મહુધા રોડ પર 300થી 400 વીઘા જમીનમાં મંદિર અને ગૌશાળા માટે આફ્રિકાથી દાન આવવાનું હોવાનું જણાવી, દાતાને બતાવવા અસલ સાટાખત જરૂૂરી હોવાનું કહ્યું હતું. તેમજ સીધી ખરીદીમાં ભાવ વધારે અને વાંધા આવી શકે તેમ હોવાથી રોકાણ કરીને સાટાખત કરાવવા, મૂડી પરત આપવા અને સારા કમિશનની ખાતરી આપી હતી.
લાલજીભાઈ ઢોલાએ પોતે મંદિરના ખજાનચી હોવાથી કારોબારીમાં સેટિંગ કરાવી નાણાં પરત અપાવી દેવાની બાંહેધરી આપી હતી.ત્યારબાદ જમીન માલિક જેકીભાઈ શરદભાઈ રામીની સૂઈ-સૈયત સ્થિત જમીન જોયા બાદ કુલ 354 વીઘા જમીનનો ઉઘડો ભાવ રૂૂ. 2,76,00,000 નક્કી થયો હતો. સોદા પેટે રૂૂ. 1 લાખ રોકડા અને તા. 08/06/2020ના રોજ ડાકોરના ગોપાલપુરા ખાતે જેકીભાઈના ઘરે રૂૂ. 1,24,00,000 રોકડા ચૂકવી રૂૂ. 300ના સ્ટેમ્પ પર સાટાખત લખી અપાયું હતું. અસલ સાટાખત ભરૂૂચના અંકલેશ્વર તાલુકાના પાનોલી ખાતે ગૌધામમાં માધવપ્રિય સ્વામીને સોંપાયા બાદ દાન ન આવ્યાનું અને એફસીઆરએ સર્ટિફિકેટ બાકી હોવાનું જણાવી નાણાં પરત લેવા જણાવાયું હતું.
બાદમાં જેકીભાઈ રામી પાસે નાણાંની માંગણી કરતાં લોકડાઉન અને બાકી રકમ ન ચૂકવાયાનું કારણ આપી ઈનકાર કરાયો હતો. ફેબ્રુઆરી-2023માં ડાકોર પોલીસ મથકે બેઠકમાં સાટાખત કેન્સલેશન અને સૂઈ ગામની જમીનનો રજિસ્ટર્ડ દસ્તાવેજ કરી આપવાનો સમજુતી કરાર થયો હોવા છતાં નાણાં કે દસ્તાવેજ ન મળતા ફરિયાદ નોંધાઈ હતી. આર્થિક ગુના નિવારણ સેલમાં ચિંતન પરમાર, જેકીકુમાર રામી, લાલજી ઢોલા, માધવપ્રિય સ્વામી અને દર્શનપ્રકાશ સ્વામી વિરુદ્ધ ગુનો નોંધી પીઆઈ ડી. એમ. હરીપરા, પીઆઈ સી. એન. દવેના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એન. આર. રાઠોડ તથા આર્થિક ગુના નિવારણ સેલ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.
ગુજરાતમાં અનેક લોકોને સંતોએ શીશામાં ઉતાર્યાની શંકા
રાજકોટના શિક્ષણ વિભાગના નિવૃત શાસનાધિકારી સાથે ડાકોર નજીક જમીન ખરીદવાના બહાને રૂૂ. 1.25 કરોડની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આરોપીઓએ ભગવાન સ્વામિનારાયણનું મંદિર અને ગૌશાળા નિર્માણ કરવાનો વિશ્વાસ અપાવી આ મોટી રકમ પડાવી લીધી હતી. આ મામલે ભોગ બનનાર નિવૃત અધિકારીએ સ્વામિનારાયણ સંપ્રદાયના બે સંતો સહિત કુલ પાંચ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે આર્થિક ગુના નિવારણ સેલ ના પીઆઇ ડી. એમ. હરીપરા અને તેમની ટીમે સમગ્ર પ્રકરણની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ ટોળકીએ મંદિર નિર્માણ માટે જમીન ખરીદવાના નામે ગુજરાતના અન્ય અનેક લોકોને પણ પોતાની જાળમાં ફસાવીને લાખો-કરોડો રૂૂપિયાની ઠગાઇ આચરી છે. હાલ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા અને અન્ય ભોગ બનનારાઓની વિગતો મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.
