સરકારી તંત્રએ લાવવા કરેલી વ્યવસ્થા, અન્ય પ્રવાસીઓ પણ સંપર્કમાં
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ગુજરાતના ત્રણ પ્રવાસીઓના મૃત્યુ થતાં સમગ્ર રાજ્યમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ હુમલા બાદ રાજકોટથી ગયેલા અંદાજે 17 જેટલા પ્રવાસીઓ પણ ત્યાં ફસાયા હતા.
જો કે, રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રની ત્વરિત કાર્યવાહીને પગલે ચાર પ્રવાસીઓ આજે સુરક્ષિત રીતે રાજકોટ પરત ફર્યા છે.મળતી માહિતી મુજબ, નીરવ રમેશભાઈ આચાર્ય, તેમના પત્ની કિંજલબેન નીરવભાઈ આચાર્ય અને તેમના બે બાળકો જ્ઞાનેશ અને તીર્થ જમ્મુ કાશ્મીરમાં ફસાયા હતા. પરત ફરવા માટે કોઈ વ્યવસ્થા ન થતાં તેઓએ રાજકોટના સ્થાનિક તંત્રનો સંપર્ક કર્યો હતો. તત્કાલ કાર્યવાહી કરતાં રાજ્ય સરકારે જમ્મુ સરકારનો સંપર્ક સાધ્યો અને આ ચારેય પ્રવાસીઓને પરત લાવવાનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવ્યો.રાજ્ય સરકાર દ્વારા આ પરિવાર માટે જમ્મુ કાશ્મીરથી દિલ્હી અને દિલ્હીથી અમદાવાદ સુધી ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારબાદ અમદાવાદ એરપોર્ટથી રાજકોટ સુધી તેઓને ટેક્સી દ્વારા લાવવામાં આવ્યા હતા.
રાજકોટ પરત ફર્યા બાદ આચાર્ય પરિવારે કલેકટર પ્રભવ જોશી, ડેપ્યુટી કલેકટર આલોક ગૌતમ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓ તેમજ રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે એક વ્યક્તિ પાછળ અંદાજે ₹ 50,000 નો ખર્ચ કરીને તેઓને સુરક્ષિત રીતે રાજકોટ પરત લાવ્યા છે. રાજકોટ પરત ફરતાની સાથે જ તાલુકા મામલતદાર કે. એસ મકવાણા સહિતના અધિકારીઓ પ્રવાસીના કારણે પણ મુલાકાત લીધી હતી અને તેઓને રસ્તામાં કંઈ પણ અગવડ કે હાલની સ્થિતિ શું છે તે અંગેના ખબર અંતર પણ પૂછ્યા હતા.
અન્ય ફસાયેલા પ્રવાસીઓ પણ પોતાના સ્તરે પરત આવવા રવાના થઈ ગયા છે અને આગામી સોમવાર સુધીમાં તમામ પ્રવાસીઓ રાજકોટ પહોંચી જશે તેમ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર સતત ફસાયેલા પ્રવાસીઓના સંપર્કમાં છે અને તેઓની સુરક્ષિત વાપસી માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છે.
