દ્વારકા તાલુકાના મૂળવાસર ગામે રહેતા ફરીયાદી દેવલબેન વેજાભા લખુભા માણેક (ઉ.વ. 36) દ્વારા દ્વારકા પોલીસ મથકમાં તા. 21-05-2020 ના રોજ જાહેર કરવામાં આવેલી વિગત મુજબ મુળવાસર ગામે રહેતા આરોપીઓ કરશનભા જેસાભા ભઠડ, અર્જુનભા કરશનભા ભઠડ, વેજાભા ખેંગારભા ભઠડ તથા કાંયાભા ઘોઘાભા માણેક નામના ચાર શખ્સો દ્વારા ગુનાહિત ઇરાદા સાથે ફરીયાદી દેવલબેનના ઘરે આવી અને તેમના ભાણેજ દિનેશભા નાગશીભા સુમણીયાને આરોપી વેજાભાની પત્ની સાથે બોલવા-ચાલવા બાબતે તકરાર થયેલ હોય, જે અંગે થયેલી પોલીસ ફરીયાદનો ખાર રાખીને આરોપીઓએ ગત તારીખ 21-05-2020 ના રોજ જઈ, ત્યાં દિનેશભા હાજર હોય, જે આરોપીઓને જોઈ જતા તે રૂૂમમાં જતા રહેલ. તેમ છતાં આરોપીઓએ રૂૂમમાં જઈને આરોપી કરશનભા જેઠાભા અને અર્જુનભા કરશનભા પાસે રહેલી છરી વડે ફરીયાદી દેવલબેન તથા તેના ભાણેજ દિનેશભાને બેફામ માર માર્યો હતો.
જેના કારણે દિનેશભાને માથાના ભાગે તેમજ પેટ, વાંસા, પગ અને છાતીના ભાગે આડેધડ છરીના ઘા મારી, જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી. આ ઉપરાંત આરોપી વેજાભા પાસે રહેલી લાકડી અને આરોપી કાયાભા પાસે રહેલા લોખંડના પાઈપ વડે દિનેશભાને માથાના ભાગે તેમજ શરીરે ઘા મારી ગંભીર જીવલેણ ઈજા પહોંચાડી હતી. જેના કારણે દિનેશભા નાગશીભા સુમણીયાનું મૃત્યુ નિપજ્યું હતું. આ દરમિયાન તેને બચાવવા સાહેદ લખુભા ગગાભા માણેક તથા તેમના પત્ની સુંદરબેન વચ્ચે પડતા તેઓને પણ માર મારી, ઈજાઓ કરી હતી.આ સમગ્ર પ્રકરણ અંગે દેવલબેન વેજાભાની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે તમામ ચાર આરોપીઓ સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.આ સમગ્ર પ્રકરણ સંદર્ભે દ્વારકાના પી.આઈ. વિશાલ વાગડિયા દ્વારા તપાસ હાથ ધરી અને લાગતા વળગતા સાહેદોના નિવેદનો નોંધ્યા હતા.
જેમાં જરૂૂરી પુરાવાઓ એકત્રીત કરી અને કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યું હતું. આ પ્રકરણમાં દ્વારકાની એડિશનલ સેશન્સ કોર્ટના જજ શ્રી કે.જે. મોદીની કોર્ટમાં કેસ ચાલી જતા કુલ 26 સાક્ષીઓની કરવામાં આવેલી તપાસ તેમજ ફરીયાદી અને નજરે જોનાર સાહેદ દેવલબેન તથા તબીબોની લેવાયેલી જુબાની સાથે જિલ્લા સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા કરવામાં આવેલી લંબાણપુર્વકની દલીલો ધ્યાને લઈ એડી. સેસન્સ જજ શ્રી કે.જે.મોદી દ્વારા આરોપીઓને માનવ વધની કલમ 302 સાથે વંચાતા કલમ – 114 હેઠળ તકસીરવાન ઠેરવી આજીવન કેદ (જન્મટીપ) ની સજા અને જુદી જુદી કલમ હેઠળ કુલ રૂૂ. 31 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.આ સમગ્ર કાર્યવાહી દ્વારકાના પી.આઈ. વી.વી. વાગડીયા, જિલ્લા સરકારી વકીલ લાખાભાઈ ચાવડા, એ.એસ.આઈ. આર.ટી નાખવા, કિશોરભાઈ મેર તેમજ શક્તિસિંહ ડી. જાડેજા દ્વારા કરવામાં આવી હતી.