રાજકોટના ચાર શખ્સોની 288 કરોડના સાયબર ફ્રોડમાં સંડોવણી

ગાંધીનગર સાયબર સેન્ટર એક્સેલન્સની ટીમનો સપાટો, ઓપરેશન મ્યુલ હંટ હેઠળ રાજકોટ, ઉંઝા, ભાવનગર અને સુરતની સાયબર ગેંગના આઠ સભ્યો સહિત કુલ 40ની ધરપકડ રાજ્યમાં વધી…

ગાંધીનગર સાયબર સેન્ટર એક્સેલન્સની ટીમનો સપાટો, ઓપરેશન મ્યુલ હંટ હેઠળ રાજકોટ, ઉંઝા, ભાવનગર અને સુરતની સાયબર ગેંગના આઠ સભ્યો સહિત કુલ 40ની ધરપકડ

રાજ્યમાં વધી રહેલા સાયબર ગુનાઓ સામે ગુજરાત સીઆઈડી (CID) ક્રાઇમના ’સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ’ દ્વારા ’ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’ અંતર્ગત એક વિશાળ છેતરપિંડીના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસની ટીમોએ સુરત, ભાવનગર, રાજકોટ અને ઊંઝામાં એકસાથે દરોડા પાડીને અંદાજે રૂૂ. 622 કરોડની સાયબર છેતરપિંડીમાં સંડોવાયેલા કુલ 40 આરોપીઓની ધરપકડ કરી છે. આ સમગ્ર ઓપરેશન છેલ્લા એક મહિના દરમિયાન હાથ ધરવામાં આવ્યું હતું. રાજકોટના ચાર શખ્સોની પણ રૂૂ.622 કરોડના સાયબર છેતરપિંડીમાં સંડોવણી ખુલતા ચારેયને પોલીસે ઉઠાવી લીધા હતા.

આ અંગે ડીજીપી ડો.કે.એન.એલ.રાવના જણાવ્યા અનુસાર, પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ અત્યાર સુધીમાં 1,039 સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ નેટવર્ક સામે સમગ્ર દેશમાં ઓછામાં ઓછી 81 એફઆઈઆર નોંધાયેલી છે. ઓપરેશનના માત્ર એક ભાગમાં જ અત્યાર સુધીમાં રૂૂ. 174 કરોડથી વધુની છેતરપિંડીની રકમ શોધી કાઢવામાં આવી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ કમિશનના લાલચે પોતાના અથવા અન્ય વ્યક્તિઓના નામે બેંક ખાતાઓ (મ્યુલ એકાઉન્ટ્સ) મેળવતા હતા. આ ખાતાઓનો ઉપયોગ પોતાની ઓળખ છુપાવીને છેતરપિંડીના નાણાં ટ્રાન્સફર કરવા માટે થતો હતો. નાણાં ગેરકાયદેસર હોવાનું જાણવા છતાં, આરોપીઓ આ રકમને બેંક ખાતાઓમાં મેળવી ત્યારબાદ આંગડિયા (હવાલા) મારફતે સગેવગે કરતા હતા અને તેમાંથી પોતાનું કમિશન મેળવતા હતા.

પકડાયેલ આરોપીમાં સુરત અને ભાવનગરથી મુકેશ દેવાભાઇ મેર અને ફરદિનખાન પઠાણ નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેઓ પાસેથી 4 મોબાઈલ, 1 લેપટોપ, 125 પેઢીઓની વિગતો અને 868 બનાવટી ઇનવોઈસ મળી આવ્યા છે. આ જૂથ દ્વારા અંદાજે રૂૂ. 174 કરોડથી વધુની છેતરપિંડી કરવામાં આવી છે. ઊંઝાથી અક્ષય મહેંદ્રભાઈ પટેલ અને દેવેંદ્ર કાંતીભાઇ પટેલની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ કમિશન મેળવીને મલ્ટિપલ બેંક ખાતાઓ ખોલાવી ફ્રોડના નાણાં ઉપાડતા હતા. અહીં રૂૂ. 114 કરોડથી વધુની ઠગાઈની વિગતો મળી છે. રાજકોટના ચેતન અમલાણી, જતીન કક્કડ, કપિલ કોટક અને મહેન્દ્ર પોકિયા નામના 4 આરોપીઓ પકડાયા છે. એનસીસીઆરપી પોર્ટલ મુજબ આ ખાતાઓ સાથે 26 ફરિયાદો નોંધાયેલી છે.

આરોપીઓ સામાન્ય લોકોના નામે અથવા બોગસ પેઢીઓના નામે બેંક ખાતાઓ (મ્યુલ એકાઉન્ટ્સ) ખોલાવતા હતા. સાયબર ફ્રોડના નાણાં આ ખાતાઓમાં જમા કરાવી, તેનું રોકડમાં રૂૂપાંતર કરી આંગડિયા મારફતે સગેવગે કરવામાં આવતું હતું. આ માટે તેઓ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ઓનલાઇન ફાઇનાન્શિયલ ફ્રોડ અને યુપીઆઈ સંબંધિત ઠગાઈ જેવી રીતો અપનાવતા હતા.

સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝના પોલીસ મહાનિદેશક ડો. કે. લક્ષ્મી નારાયણ રાવ અને પોલીસ મહાનિરીક્ષક બિપીન આહિરેની સૂચના હેઠળ વિવિધ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસ અધિક્ષક ડો. રાજદીપસિંહ ઝાલા, સંજયકુમાર કેશવાલા અને વિવેક ભેડાના સુપરવિઝન હેઠળ સુરત, ભાવનગર, રાજકોટ અને ઊંઝા ખાતે દરોડા પાડીને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *