મહિલાનું સ્કૂટર રીપેરિંગ કરવા આપ્યું હોય, રિપેરિંગ બરાબર નથી કર્યુ કહી હુમલો કર્યો : બે પોલીસમેન પર આક્ષેપ
શહેરનાં કોઠારીયા સોલવન્ટમા ગેરેજ ચલાવતા યુવાનને મહીલા સહીત 4 શખ્સોએ સ્કુટર રીપેરીંગ બરાબર નથી કર્યુ કહી માર માર્યો હતો અને યુવાનનુ સ્કુટર પડાવી લઇ ગયા હતા. તેમજ આ મામલે યુવાને સ્થાનીક પોલીસને રજુઆત કરી હતી પરંતુ કોઇ કાર્યવાહી ન થતા અંતે તેમણે પોલીસ કમિશનર કચેરીએ પહોંચી ત્યા ન્યાય માટે અરજી કરી હતી. તેમજ આ અરજીમા તેમણે બે પોલીસમેન પર પણ ગંભીર આક્ષેપો કર્યા હતા.
વધુ વિગતો મુજબ કોઠારીયા સોલવન્ટ રેલવે સ્ટેશન પાસે રહેતા અને ગેરેજ ચલાવી પરીવારનુ ગુજરાન ચલાવતા વિક્રમભાઇ રણજીતભાઇ મકવાણા નામના યુવાનને આરોપી તરીકે ગુલાબબા પ્રદીપસિંહ ચુડાસમા, રહીમ, સદામ અને લાલો (રહે. બધા કોઠારીયા સોલવન્ટ) વિરુધ્ધ આક્ષેપો સાથેની પોલીસ કમિશનરને અરજી કરી છે. યુવાને પોતાની અરજીમા જણાવ્યુ હતુ કે 3 મહીના પહેલા ગુલાબબા પોતાનુ સ્કુટર રીપેરીંગ માટે આપી ગયા હતા.
ત્યારબાદ આરોપી ગુલાબબાએ ફોન કરી કહયુ કે તમે સ્કુટર બરાબર રીપેર કર્યુ નથી. ચલાવવામા હજુ વાંધો પડે છે અને રીપેરીંગનાં પૈસા પાછા આપી દેજો. જેથી ગેરજ સંચાલક વિક્રમભાઇએ પૈસા પરત આપવાની ના પાડી દીધી હતી તેથી 10 શખ્સો ગેરેજે ધમકાવવા અને મારવા પહોંચ્યા હતા. બાદમા તેઓએ વિક્રમને માર માર્યો હતો અને ફરીયાદીનુ સ્કુટર લઇ જતા રહયા હતા. આરોપીઓ આવ્યા ત્યારે તેની સાથે બે કોન્સ્ટેબલ પણ ફ્રી ડ્રેસમા આવ્યા હતા તેમજ આરોપીઓ પોલીસ સાથે સંકળાયેલા હોવાનુ જાણવા મળી રહયુ છે. ત્યારબાદ 7-3 નાં રોજ આજીડેમ પોલીસે અરજી લખાવવા ગયા ત્યારે ત્યા પોલીસે સરખો જવાબ આપ્યો ન હતો અને બીજા દિવસે સવારે ગયા ત્યારે ત્યાથી સ્પષ્ટ કહી દેવામા આવ્યુ હતુ કે હાલ સાહેબ હાજર નથી.
પછી આવજો. ત્યારબાદ ફરીથી સાંજે જતા ત્યારે પણ સરખો જવાબ આપ્યો નહી અને અગાઉ થયેલી મારામારીમા માથામા ઇજા થવાથી ફરીયાદી વિક્રમભાઇ સિવીલ હોસ્પીટલે દાખલ થયા હતા ત્યા આજીડેમ પોલીસ સ્ટેશનનાં બે કોન્સ્ટેબલે ત્યા આવી વિક્રમનુ નિવેદન લીધુ હતુ અને તેમે ખાલી નાટક કરો છો તેમ કહયુ હતુ આ મામલે આરોપીઓ અવાર નવાર ધમકી આપી અને કહેતા હતા કે પોલીસ અમારુ કાંઇ બગાડી નહી શકે.