જંગલેશ્ર્વરમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા યુવાન પર ચાર શખ્સોનો હુમલો

શહેરના જંગલેશ્ર્વર વિસ્તારમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં યુવાન ઉપર ચાર શખ્સોએ પાઈપ વડે હુમલો કરી માર મારતાં તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં…

શહેરના જંગલેશ્ર્વર વિસ્તારમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં યુવાન ઉપર ચાર શખ્સોએ પાઈપ વડે હુમલો કરી માર મારતાં તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે પોલીસે હુમલાખોરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ, જંગલેશ્ર્વરમાં આવેલી અંકુર સોસાયટી શેરી નં.1માં રહેતાં નઈમબીન ઈમ્તીયાઝબીન કસીરી (ઉ.26)એ ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અયાન ઈબ્રાહીમભાઈ સોરા અને તેની સાથેના અજાણ્યા ચાર શખ્સોના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગઈકાલે રાત્રે આઠ વાગ્યાના અરસામાં ફરિયાદી ઘર પાસે ચોકમાં ઉભો હતો ત્યારે આરોપી અયાન અને તેની સાથેના શખ્સો લોખંડના પાઈપ લઈ ધસી આવ્યા હતાં અને અયાને કહેલું કે ‘તું અહિં મારા માણસો નીકળ્યા ત્યારે ગાળો બોલતાં હોય તે ગાળો બોલવાની કેમ ના પાડી ?’ તેમ કહી લોખંડના પાઈપ વડે હુમલો કરી માર માર્યો હતો અને બાદમાં તમામ આરોપીઓ ત્યાંથી નાસી છુટયા હતાં.

આ હુમલામાં ઘવાયેલા ફરિયાદીને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે ભક્તિનગર પોલીસે ઈજાગ્રસ્ત નઈમબીનની ફરિયાદ પરથી પાંચેય શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી પીએસઆઈ એમ.એન.વસાવાએ વધુ તપાસ હાથ ધરી છે. બીજા બનાવમાં આશાપુરા સોસાયટીમાં રહેતો લખન હરેન્દ્રભાઈ ધામેલીયા (ઉ.30) નામનો યુવાન આજે સવારે પોતાના ઘર પાસે હતો ત્યારે પ્રકાશ, પ્રશાંત અને તેની સાથેના અજાણ્યા શખ્સે કોઈ કારણોસર ઝઘડો કરી પાઈપ વડે માર મારતાં તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *