જસદણમાં આવેલી સહિયર સોસાયટીમાં મેન્ટેનન્સની મિટિંગમાં સફાઈ અને સિક્યુરિટી મુદ્દે ચર્ચા કરતા પ્રૌઢને એક શખ્સે ગાળો ભાંડી હતી જેથી ગાળો દેવાની ના પાડતા ઉશ્કેરાયેલા ચાર શખ્સોએ દંપતી ઉપર હુમલો કરી ખુરશીઓમાં તોડફોડ કરી હતી. હુમલામાં ઘવાયેલા દંપતીને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જસદણમાં આવેલી સહિયર સોસાયટીમાં રહેતા કિશોરભાઈ ભરતભાઈ વસંતસ્વામી (ઉ.વ.45) અને તેમના પત્ની કૈલાશબેન કિશોરભાઈ વસંતસ્વામી (ઉ.વ.42) રાત્રીના સાડા અગિયારેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે સોસાયટીની મિટિંગમાં હતા ત્યારે ઉમેશ અને હિરેન સહિતના બે અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી ખુરશી વડે માર માર્યો હતો હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા કિશોરભાઈ વસંતસ્વામી અને કૈલાશબેન વસંતસ્વામીને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
પ્રાથમિક પૂછપરછમાં સહિયર સોસાયટીમાં મેન્ટેનન્સ મુદ્દે મીટીંગ મળી હતી જે મિટિંગમાં કિશોરભાઈ વસંતસ્વામીએ સફાઈ અને સિક્યુરિટી સહિતના મુદ્દે ચર્ચા કરી હતી જેમાં હુમલાખોર ઉમેશ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો ભાંડી હતી. જેથી કિશોરભાઈએ ગાળો દેવાની ના પાડતા ઉમેશ સહિતના ચારેય શખ્સોએ ખુરશી વડે માર મારી ચારથી પાંચ ખુરશીમાં તોડફોડ કરી હતી કૈલાસબેન વચ્ચે પડતા તેમને પણ માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે જસદણ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
