તૂર્કીયેના એજિયન પ્રાંત મુગલામાં એક એર એમ્બ્યુલન્સ હેલિકોપ્ટર એક હોસ્પિટલ બિલ્ડિંગ સાથે અથડાયું હતું. આ ઘટના દરમિયાન અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા. ન્યૂઝ એજન્સીએ ગઝટ બ્રોડકાસ્ટરને ટાંકીને જણાવ્યું હતું કે, આરોગ્ય મંત્રાલયની માલિકીનું હેલિકોપ્ટર રવિવારે ગાઢ ધુમ્મસના કારણે નિયંત્રણ ગુમાવી દેતા સરકારી હોસ્પિટલની ઇમારત સાથે અથડાયું હતું.હેલિકોપ્ટરમાં એક પાયલટ, એક ટેકનિકલ સ્ટાફ, એક ડોક્ટર અને એક હેલ્થ વર્કર સવાર હતા. રિપોર્ટ અનુસાર આ દુર્ઘટનામાં ચારેયના મોત થયા છે. મુગલાના પ્રાદેશિક ગવર્નર ઇદ્રિસ અકબેઇકે મીડિયાને જણાવ્યું કે હેલિકોપ્ટર પહેલા હોસ્પિટલના ચોથા માળે અથડાયું અને પછી જમીન પર પડી ગયું.
જો કે, આ દુર્ઘટનામાં હોસ્પિટલની ઇમારતની અંદર તેમજ જમીન પર કોઈને ઈજા થઈ નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હેલિકોપ્ટર ગાઢ ધુમ્મસ અને ઓછી વિઝિબિલિટીની સ્થિતિમાં મુગલા શહેરની એક હોસ્પિટલની છત પરથી ઉડી રહ્યું હતું અને અંતાલ્યા શહેર તરફ જઈ રહ્યું હતું. તુર્કીના સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, ફૂટેજમાં હેલિકોપ્ટર ટેકઓફ પછી થોડી મિનિટો માટે ધુમ્મસમાં ફરતું દેખાતું હતું. આ પછી, હોસ્પિટલ સાથે અથડાયા પછી, હેલિકોપ્ટર હોસ્પિટલની નજીક જ ક્રેશ થઇ ગયું હતું.