માંડવીનાં કાંકરાપાર ડેમમાં ડૂબી જતા ચાર પિતરાઈ ભાઈના મોત

સુરત જિલ્લાના માંડવી તાલુકામાંથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. જાણીતા પ્રવાસન સ્થળ અને સિંચાઈના મુખ્ય સ્ત્રોત ગણાતા કાકરાપાર ડેમના કિનારે પશુઓને પાણી પીવડાવવા…

સુરત જિલ્લાના માંડવી તાલુકામાંથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. જાણીતા પ્રવાસન સ્થળ અને સિંચાઈના મુખ્ય સ્ત્રોત ગણાતા કાકરાપાર ડેમના કિનારે પશુઓને પાણી પીવડાવવા ગયેલા એક ભાઈને ડૂબતો બચાવવા એક સગો ભાઈ અને બીજા બે પિતરાઈ ભાઈ પણ પાણીમાં કૂદી પડ્યા હતા. કમનસીબે, ભાઈને બચાવવાની આ હિંમત હૃદયદ્રાવક હોનારતમાં ફેરવાઈ ગઈ. એકબીજાને બચાવવાની મથામણમાં આખરે ચારેય ભાઈએ અંતિમશ્વાસ લીધા. વાકલ ગામમાં એક જ પરિવારના ચાર પિતરાઈ ભાઈના મોતથી ચૌધરી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. માંડવી પોલીસ PI જયેશ વળવીના જણાવ્યા મુજબ અનુસાર, આ ઘટના 11 મેના રોજ બપોરના સમયે બની હતી.

વાકલ ગામનો એક યુવાન પોતાના પશુઓને પાણી પીવડાવવા અને નવરાવવા માટે કાકરાપાર ડેમના હેઠવાસના ભાગમાં ગયો હતો. આ દરમિયાન અચાનક તેનો પગ લપસી જતાં તે ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યો હતો. મોડી સાંજ સુધી તે પરત ન ફરતાં, તેને શોધવા માટે તેના અન્ય ત્રણ ભાઈ પણ ત્યાં પહોંચ્યા હતા. ઘટનાસ્થળે યુવકના કપડાં જોઈને તેમને અંદાજ આવી ગયો કે, તેમનો ભાઈ પાણીમાં પડી ગયો છે. ભાઈને બચાવવા બાકીના ત્રણેય ભાઈ એક પછી એક પાણીમાં કૂદી પડ્યા હતા. પરંતુ કમનસીબે, પાણીનો પ્રવાહ તેજ હોવાથી અને ઊંડાઈનો અંદાજ ન આવવાને કારણે, ચારેય મિત્ર-ભાઈ એકબીજાને બચાવવાની મથામણમાં મોતને ભેટ્યા હતા.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતકોમાં બે સગા ભાઈ અને અન્ય પિતરાઈ ભાઈઓનો સમાવેશ થાય છે. મૃતકોના નામમાં સાહિલ જિતેન્દ્ર ચૌધરી (સગો મોટો ભાઈ), કોશિક જિતેન્દ્ર ચૌધરી, ગણેશ નાનસિંગ ચૌધરી, પ્રવીણ બાલુ ચૌધરીનો સમાવેશ થાય છે.

ઘટનાની જાણ થતા જ માંડવી પોલીસ પીઆઈ જયેશ વળવી અને માંડવી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ગત સાંજે અંધારું અને પાણીનો પ્રવાહ વધુ હોવાથી શોધખોળમાં મુશ્કેલી પડી હતી, પરંતુ આજે વહેલી સવારથી ફરી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. નગરપાલિકાના અને ફાયરના તરવૈયાઓની કલાકોની જહેમત બાદ ચારેય યુવાનના મૃતદેહને બહાર કાઢવામાં સફળતા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *