હેમુ ગઢવી હોલ પાસે મિત્રો સાથે જમવા ગયો ને જલાઇ ગયો: કારમાં સાથે યુવતી પણ હતી
શહેરમાં દારૂની બંદીને ડામવા પોલીસ કમિશનરની સૂચનાથી પોલીસ દ્વારા દારૂના ધંધાર્થી અને પીધેલી હાલતમાં નીકળનારા વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે હેમુ ગઢવી હોલ પાસેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ પી.વી.સી.નો તબીબ પુત્ર કારમાં દારૂની મહેફિલ માણતા ઝડપાઇ ગયો છે. મિત્રો સાથે જમવા ગયો ત્યારે પોલીસનછ ઝપટે ચડી જતા પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.
જાણવા મળતી વિગત મુજબ એ ડિવિઝન પોલીસ મથકના કોન્સ. વી.બી. ડાંભી, હોમગાર્ડ જય નિમાવત સહિતનો સ્ટાફ ગત રાત્રે પીસીઆર વાનમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા દરમિયાન રાત્રે 12 વાગ્યે હેમુ ગઢવી હોલ પાછળ નાલા પાસે પહોંચતા એક કાર શંકાસ્પદ હાલતમાં ઉભી હોય જેથી પોલીસે તપાસ કરતા કારમાં એક શખ્સ અને એક યુવતી હતી. શખ્સને બહાર કાઢતા તે લથડીયા ખાતો હોય અને દારૂ પીધેલી હાલતમાં હોવાથી મોઢામાંથી ખાટી અને તીવ્ર વાશ આવતી હોય જેથી પોલીસે તેનુ નામ પૂછતા જીગર વિજયભાઇ દેસાણી હોવાનું અને એઇમ્સ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ ઉપર નોકરી કરતો હોવાનુ જણાવ્યુ હતુ તે સત્યસાઇ હાર્ટ હોસ્પિટલ પાછળ આલાપ હેરીટેઝ બિલ્ડિંગ, કાલાવડ રોડ પર રહેતો હોવાનુ જણાવતા પોલીેસે તેને પકડી એ ડિવિઝન પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો અને તેના વિરૂદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી તેની ધરપકડ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રથમિક તપાસમાં પીધેલી હાલતમાં પકડાયેલો વિજય દેસાણી તબીબ છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ વિજયભાઇ દેસાણીનો પુત્ર છે. જીગર ગત રાત્રે દારૂની મહેફિલ માણી હેમુ ગઢવી હોલ પાસે મિત્રો સાથે જમવા ગયો હતો ત્યારે પોલીસની ઝપટે ચડી ગયો હતો.
