બોટાદ જિલ્લાના કેરિયા ઢાળ ખાતે આવેલી ખેતીની જમીનને બિનખેતી (NA) કરાવવાના વર્ષ 2018ના લાંચ કેસમાં બોટાદની અદાલતે મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. બોટાદ જિલ્લા પંચાયતની તત્કાલીન કારોબારી સમિતિના ચેરમેન સી.બી. ખંભાળિયા અને કારોબારી સમિતિના સભ્ય ઈશ્વર ભરાડિયાને અદાલતે પાંચ-પાંચ વર્ષની સજા ફટકારી છે. આશરે આઠ વર્ષ જૂના આ કેસમાં ચુકાદો આવતા બોટાદ જિલ્લામાં ચર્ચા જાગી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, કેરિયા ઢાળ ખાતે આવેલી આશરે 10,000 ચોરસ મીટર ખેતીની જમીનને બિનખેતી કરાવવા માટે જમીનમાલિક અને એડવોકેટ હરેશ ડોડિયાએ જિલ્લા પંચાયત, બોટાદ ખાતે અરજી કરી હતી. આ અરજીની પ્રક્રિયા દરમિયાન તત્કાલીન કારોબારી સમિતિના ચેરમેન સી.બી. ખંભાળિયા અને કારોબારી સમિતિના સભ્ય ઈશ્વર ભરાડિયા સામે પ્રતિ ચોરસ મીટર ₹8ના હિસાબે કુલ ₹80,000ની લાંચ માગ્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે લાંચ રૂૂશ્વત વિરોધી બ્યુરો (ACB)નો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ અઈઇ બોટાદ દ્વારા આ મામલે છટકું ગોઠવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ પ્રકરણમાં બંને સામે ગુનો નોંધાયા બાદ તપાસ પૂર્ણ કરીને ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
આ કેસની સુનાવણી બોટાદના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ પરાશરની અદાલતમાં ચાલી હતી. કેસ દરમિયાન ફરિયાદીની જુબાની, સાક્ષીઓનાં નિવેદનો અને રજૂ કરવામાં આવેલા પુરાવાઓને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. ફરિયાદી પક્ષની દલીલો સહિત કેસના રેકોર્ડ પરના પુરાવાઓના આધારે અદાલતે 7 ઓક્ટોબર, 2026ના રોજ બંને આરોપીઓને પાંચ-પાંચ વર્ષની સજા ફટકારી હતી. આ કેસમાં ફરિયાદી પક્ષ તરફથી સરકારી વકીલ ઉપરાંત મૂળ ફરિયાદી તરફે એડવોકેટ નિલેશ બાંભણીયા, ચિરાગ દેવમુરારી, બ્રિજરાજ ડોડિયા અને હાર્દિક ચૌહાણ રોકાયેલા હતા.
