જૂનાગઢ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને ગુુજરાત ભાજપ યુવા મોરચાના પ્રભારી કિરીટ પટેલ સહિતના લોકો નવ વર્ષ પૂર્વે જૂનાગઢ પીજીવીસીએલ કચેરીમાં રજૂઆત કરવા ગયા હતાં તે સમયે કિરીટ પટેલે પીજીવીસીએલના જુનીયર ઈજનેરને નાલાયક કહી અપશબ્દો બોલ્યા હતાં. જે દરમિયાન સાથે ગયેલા એક શખ્સે જુનિયર ઈજનેરને ફડાકા ઝીંકી દીધા હતાં. જે ગુનામાં જૂનાગઢ કોર્ટે જૂનાગઢ ભાજપના પૂર્વ પ્રમુખ અને ગુજરાત ભાજપ યુવા મોરચાના પ્રભારી કિરીટ પટેલને એક વર્ષની સજા અને સહ આરોપી દિલાવર ધંધુકીયાને બે વર્ષની સજા ફટકારી બન્ને સામે ધરપકડ વોરંટ ઈસ્યુ કરી જેલમાં મોકલવાની કાર્યવાહી માટે પોલીસ અધિક્ષકને આદેશ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ જૂનાગઢ ભાજપના પૂર્વ પ્રમુખ અને ગુજરાત ભાજપ યુવા મોરચાના પ્રભારી કિરીટ પટેલ વિસાવદરના વેકરીયા ગામના કિશોરભાઈ મેઘાણી, પ્રતાપપુર ગામના દિલાવર બાબુભાઈ ધંધુકીયા સહિતના પાંચ થી છ લોકો તા.16-5-2017નાં રોજ જૂનાગઢ રૂરલ ડિવીઝન-1માં અધિક્ષક ઈજનેરની કચેરીમાં રજૂઆત કરવા માટે ગયા હતાં તે સમયે ત્યાં હાજર જુનિયર ઈજનેરને કિરીટ પટેલે ‘તમે કોંગ્રેસના એજન્ટ છો, અને કોંગ્રેસ કહે તેમ ચેકીંગ કરો છો, અને ખેડૂતોને મોટા અને ખોટા બિલ આપો છો’ તેમ કહી ગેર સંસદીય ભાષામાં જુનિયર ઈજનેરને નાલાયક કહી હોબાળો મચાવ્યો હતો તે દરમિયાન અધિક્ષક ઈજનેર અને કાર્યપાલક ઈજનેરે મામલો થાળે પાડયો હતો તે સમયે રજૂઆત કરવા ગયેલા દિલાવર ધંધુકીયાએ જુનીયર ઈજનેરને ફડાકા મારી ધમકી આપી હતી.
જે અંગે જુનીયર ઈજનેરે કિરીટ પટેલ અને દિલાવર ધંધુકીયા વિરૂધ્ધ જૂનાગઢ-બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે કેસ ચાલવા ઉપર આવતાં બન્ને પક્ષની રજૂઆત બાદ સરકાર પક્ષે કરવામાં આવેલી દલીલો અને રજૂ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાને લઈ કોર્ટે જુનિયર ઈજનેરને નાલાયક કહેવા બદલ જૂનાગઢ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને ગુજરાત ભાજપ યુવા મોરચાના પ્રભારી કિરીટ પટેલને એક વર્ષની સાદી કેદની સજા અને ફડાકા મારનાર દિલાવર ધંધુકીયાને બે વર્ષની સજા અને રૂા.એક હજારનો દંડ ફટકાર્યો છે. ચુકાદા સમયે બન્ને આરોપીઓ કોર્ટમાં ગેરહાજર રહેતાં કોર્ટે તેમની સામે ધરપકડ વોરંટ ઈસ્યુ કરી જેલમાં મોકલવાની કાર્યવાહી માટે પોલીસ અધિક્ષકને આદેશ કર્યો છે.
આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ ડો.કે.ડી.કારીયા રોકાયા હતાં.
