રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં વધુ બે લોકોના હાર્ટએટેકથી મોત નીજપતા ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. મવડી પ્લોટમાં રહેતા વૃધ્ધ સાઇકલ લઇ આટો મારવા નીકળ્યા હતા અને નવલનગરમાં અચાનક ચક્કર આવી પડી તેમનુ સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતું. જયારે મીરાપાર્કમાં રહેતા પ્રૌઢને હૃદયરોગનો હુમલો જીવલેણ નીવડ્યો હતો.
જાણવા મળતી વિગત મુજબ મવડી પ્લોટમાં આવેલી શ્રીનાથજી સોસાયટી શેરી નં.5માં રહેતા પરસોતમભાઇ ડાયાભાઇ કવા (ઉ.વ.60)નામના વૃધ્ધ ગત તા.17ના સાંજે સાઇકલ લઇ આંટો મારવા નીકળ્યા હતા. દરમિયાન નવલનગર શેરી નં.3માં ચક્કર આવી પડી જતા માથાના ભાગે ઇજા પહોંચી હતી. જેથી તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેનુ સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતું. તબીબો દ્વારા હાર્ટએટેક આવતા પડી જવાથી માથામાં હેમરેજ થતા મોત થયાનુ જણાવ્યુ હતું. પ્રાથમિક તપાસમાં મૃતક છ ભાઇ ત્રણ બહેનમાં નાના અને તેમને સંતાનમાં બે દીકરા અને ત્રણ દીકરી હોવાનુ જાણવા મળ્યુ છે.
જયારે બીજા બનાવમાં શહેરના સામાકાંઠે પેડક રોડ પર આવેલા મીરાપાર્ક શેરી નં.3માં રહેતા ગોવિંદભાઇ બાબુભાઇ સોલંકી (ઉ.વ.58)નામના પ્રૌઢ આજે સવારે પોતાના ઘરે હતા. ત્યારે અચાનક બેભાન થઇ ઢળી પડતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તબીબો દ્વારા હાર્ટએટેકથી મૃત્યુ થયાનુ જાહેર કર્યુ હતું. મૃતક ગોવિંદભાઇ ચાર ભાઇ ચાર બહેનમાં વચેટ અને કમ્પ્રેશરની દુકાનમાં કામ કરતા હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે.
