વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા તાજેતરમાં મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં શહેરના વિકાસલક્ષી કાર્યો અને મિલકતોના નિકાલ અંગે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આ બેઠકમાં વડોદરા મનપાની માલિકીના 7 પ્લોટની જાહેર હરાજી કરવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે, જેમાં પૂર્વ ક્રિકેટર અને તૃણમુલ કોંગ્રેસના સાંસદ યુસુફ પઠાણ દ્વારા ગેરકાયદેસર દબાણ હેઠળ રહેલો 978 ચો.મી.નો પ્લોટ પણ સામેલ છે. તાજેતરમાં ટીએમસી છોડનાર સાંસદ યુસુફ પઠાણને પાછલા બારણે પ્લોટ આપવા ગોઠવણ થયાની ચર્ચા જાગી છે.
સ્થાયી સમિતિના અધ્યક્ષ વર્ષા વ્યાસે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, જે પ્લોટ હરાજી માટે મૂકવામાં આવ્યા છે, તેમાં યુસુફ પઠાણના કબજા હેઠળનો તાંદલજા વિસ્તારનો પ્લોટ પણ છે. હાલ આ મામલો કોર્ટમાં વિચારાધીન છે, પરંતુ મનપા દ્વારા હવે વહીવટી પ્રક્રિયા આગળ ધપાવતા આ પ્લોટને સામાન્ય સભામાં મંજૂરી માટે મોકલવામાં આવ્યો છે. સામાન્ય સભાની અંતિમ મંજૂરી મળ્યા બાદ જ આ તમામ પ્લોટોની હરાજીની પ્રક્રિયા હાથ ધરાશે.
તાંદલજા વિસ્તારમાં આવેલા શુભમ પાર્ટી પ્લોટ પાસેનો આ 978 ચો.મી.નો પ્લોટ મૂળભૂત રીતે વડોદરા મહાનગરપાલિકાની માલિકીનો છે. વર્ષ 2012માં યુસુફ પઠાણે આ જમીનની માલિકી માટે અરજી કરી હતી, જેને મનપાએ મંજૂરી આપી હતી, પરંતુ પાછળથી રાજ્ય સરકાર દ્વારા આ મંજૂરી રદ કરવામાં આવી હતી.
આ મામલે વડોદરા મનપા દ્વારા નોટિસ ફટકારવામાં આવતા યુસુફ પઠાણે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. ગત 8 જૂનના રોજ હાઈકોર્ટે પૂર્વ ક્રિકેટરને આ પ્લોટ ખાલી કરવા આદેશ આપ્યો હતો. સાથે જ કોર્ટે ટકોર કરી હતી કે જો પ્લોટ ખાલી કરવામાં વિલંબ થશે, તો દંડની રકમમાં વધારો થશે.
હવે જ્યારે મનપાએ આ પ્લોટને હરાજીની યાદીમાં સામેલ કર્યો છે, ત્યારે આગામી દિવસોમાં સામાન્ય સભામાં આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બનવાની શક્યતા છે. હવે આ પ્લોટ યુસુફ પઠાણ ખરીદે છે કે અન્ય કોઇ તે જોવાનું રહ્યું.
