પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાનું ‘પ્રોટેક્શન મની’ ઉઘરાવવાનું કૌભાંડ

ગેરકાયદે બાંધકામ વિરૂધ્ધ અરજી કરી પછી સેટલમેન્ટ માટે લાખો રૂપિયાની માંગણી કરતો વીડિયો વાયરલ થતાં ભારે ખળભળાટ કોર્પોરેશનની ચૂંટણી સમયે જ ભાજપની આબરૂને બટ્ટો લગાવતી…

ગેરકાયદે બાંધકામ વિરૂધ્ધ અરજી કરી પછી સેટલમેન્ટ માટે લાખો રૂપિયાની માંગણી કરતો વીડિયો વાયરલ થતાં ભારે ખળભળાટ

કોર્પોરેશનની ચૂંટણી સમયે જ ભાજપની આબરૂને બટ્ટો લગાવતી ઘટના

મહાનગરપાલિકામાં ચૂંટાયેલા અમુક નગરસેવકો કાયમી ટેસ્ડા કરતાં જોવા મળી રહ્યાં છે. કોઈપણ જાતના કામ ધંધો કે નોકરી ન કરતાં હોય અને બાપ-દાદાની પણ આવક ન હોય છતાં લીલાલહેર કરી લોકોનું ધ્યાન ખેંચતાં હોય છે. આ પ્રકારના નગરસેવકો પૈકી અમુક નગરસેવકોના હાથ ભ્રષ્ટાચારમાં ખુપેલા હોવાનું ફરી એક વખત ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણા ગેરકાયદેસર બાંધકામોને મંજુર કરાવવા માટે પ્રોટેકશન મની ઉઘરાવતાં આજે મોબાઈલમાં કેદ થઈ ગયા હતાં. બે સ્થળે ગેરકાયદેસર બાંધકામો માટે લાખો રૂપિયાના ઉઘરાણા કરતાં હોવાનો વિડિયો જાણ ભેદુ એ ઉતારી સોશ્યલ મીડિયા પર વાયરલ કરી દેતાં શહેરભરમાં ચકચાર મચી ગઈ છે અને ચૂંટણી ટાણે જ ભાજપના પૂર્વ કોર્પોરેટરના કાળા કામો બહાર આવતાં પક્ષની સોભજન્ક બની ગઈ છે.

મહાનગરપાલિકામાં આજ સુધી સત્તા રૂઢ રહેલ ભાજપના પૂર્વ કોર્પોરેટર અને અનુસૂચિત જાતિ નિગમના પૂર્વ ડિરેક્ટર અનિલ મકવાણાએ ગેરકાયદે બાંધકામ ખડકવા માટે છૂટ આપવા અરજદાર પાસેથી લાખો રૂૂપિયાની માંગણી કરી હોવાના બે વિડીયો વાયરલ થતા ચૂંટણી ટાંકણે જ ભાજપ ફરી શરમજનક સ્થિતિમાં મૂકાઇ ગયું છે. હમેંશા કોઇ કારણોસર સતત વિવાદમાં રહેતા અનિલ મકવાણાએ ફરી લખણ ઝણકાવ્યા હતાં અને ગેરકાયદેસર બાંધકામોને બચાવવા માટે પ્રયાસો કરતાં બે અરજદારોને પકડી તેમની પાસેથી લાખો રૂપિયાની ઉઘરાણી કરતાં કેમેરામાં કેદ થઈ વિડિયો સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થવાની ઘટના બનતાં ભાજપ વર્તુળોને શહેરભરમાં ભારે ચર્ચા જાગી છે.

વિશેષ સુત્રોમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ, શહેરભરમાં ગઇકાલ રાત્રિથી સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણા શહેરના સામા કાંઠા વિસ્તારમાં કોઇ એક જગ્યા પર બાંધકામમાં વધારાનું કે ગેરકાયદે બાંધકામ માટે ત્રણ લાખ રૂૂપિયાની માંગણી કરતા હોવાનો વિડીયો સામે આવ્યો છે. ઉપરા-ઉપરી બે વિડીયો વાયરલ થયા છે. જેમાં ત્રણ લાખની માંગણી સર્કિટ હાઉસ ખાતે એક બેઠકમાં કરવામાં આવી છે. જ્યારે અન્ય વિડીયોમાં અનિલ મકવાણા રેસકોર્ષ ગાર્ડનમાં ભાવ-તાલ કરતા વિડીયોમાં દેખાઇ છે. જેમાં છેલ્લે બાંધકામ માટે રૂૂ.1.25 લાખની માંગણી કરવામાં આવી છે. આ ઘટનાથી શહેરભરમાં ફરી ભાજપ બદનામ થયું છે. પૂર્વ મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના કથિત ગેરકાયદે બાંધકામના વિવાદ હજુ શાંત પડ્યા નથી ત્યાં પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાએ ગેરકાયદે બાંધકામ માટે પૈસા માંગ્યા હોવાના બે વિડીયો વાયરલ થયા છે.

તેઓ છેલ્લા ઘણા સમયથી વિવાદથી ઘેરાયેલા છે. સૂચિત વિસ્તારોમાં ચાલતા બાંધકામ અંગે ટીપી શાખામાં ફરિયાદો કરવી નિયમ મુજબના બાંધકામમાં પણ ખોટી ફરિયાદો કરી અરજદારો પાસેથી પૈસા ખંખેરવા માટે તેઓ કુખ્યાત બની ચુક્યા છે. કોર્પોરેશનની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે ગેરકાયદે બાંધકામ માટે નાણા માંગતા હોવાના અનિલ મકવાણાના વાયરલ થયેલા વિડીયોથી ભાજપની સ્થિતિ કફોડી બની જવા પામી છે.

તેનો ફોન બંધ છે, ઘરે રૂબરૂ માણસ મોકલી જવાબ માંગ્યો છે : માધવ દવે
ગેરકાયદે બાંધકામ માટે લાખો રૂૂપિયાનો તોડ કરવા માટે કુખ્યાત બની ગયેલા ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાને હવે શહેર ભાજપ પ્રમુખનો પણ ડર રહ્યો ન હોય તેવું લાગી રહ્યું છે. બાંધકામ માટે લાખો રૂૂપિયાની માંગણી કરતા બે વિડીયો વાયરલ થયા બાદ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવેએ અનિલ મકવાણાને સતત ફોન કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેનો ફોન સ્વીચઓફ આવતો હતો. દરમિયાન કાર્યાલયેથી એક માણસને અનિલના ઘરે મોકલી તાત્કાલીક શહેર ભાજપ પ્રમુખને ફોન કરવાનો સંદેશો મોકલવામાં આવ્યો હતો પરંતુ અનિલે ફોન કરવાની પણ તસ્દી લીધી ન હતી. બીજી તરફ તેને મીડિયા સમક્ષ આવીને એવું નિવેદન આપ્યું હતું કે તેઓનો આ વિડીયો એઆઇની મદદથી બનાવવામાં આવ્યો છે. જેની સામે તે ફરિયાદ કરશે.

ભ્રષ્ટાચારને નિડર બની ખુલ્લો પાડો, લોકોને અપીલ કરતાં રાજદીપસિંહ જાડેજા

રાજકોટ મહાનગરપાલિકા શહેરના વિકાસ અને જનસેવા માટે કાર્ય કરવી જોઈએ, પરંતુ હાલની પરિસ્થિતિ જોઈને એવું લાગતું નથી. શહેરમાં અનેક પ્રશ્નો ઉભા થયા છે અને મહાનગરપાલિકામાં કુશાસન અને ભ્રષ્ટાચારના આક્ષેપો સતત સામે આવી રહ્યા છે.

અનિલ મકવાણાનો ઉલ્ટો દાવ વીડિયો AI જનરેટેડ હોવાનો આરોપી

ગેરકાયદેસર બાંધકામમાં પ્રોટેકશન મની ઉઘરાવવાનો વીડિયો બહાર આવ્યા બાદ ભાજપના પૂર્વ કોપોરેટર અનિલ મકવાણાએ ઉલ્ટો દાવ ખેલી જણાવ્યું હતું કે કોર્પોરેશનની ચૂંટણી ટાણે મને બદનામ કરવાનું આ કાવતરુ છે. આ વીડિયો એ.આઇ. જનરેટેડ હોવાનો દાવો કરી અનિલ મકવાણાએ પોતે પોલીસ ફરિયાદ કરવાની પણ શેખી મારી હતી

તાજેતરમાં મેયરશ્રીના બાંધકામને લઈને પણ ગેરકાયદેસર બાંધકામના મુદ્દા જાહેર થયા છે, જેના કારણે શહેરમાં અનેક પ્રશ્નો ઉભા થયા છે. જ્યારે શહેરના પ્રથમ નાગરિક પર જ આવા આક્ષેપો થાય ત્યારે સ્વાભાવિક છે કે લોકોમાં શંકા અને અવિશ્વાસ ઉભો થાય. આ સમગ્ર પરિસ્થિતિ બતાવે છે કે રાજકોટ મહાનગરપાલિકામાં વ્યવસ્થા અને પારદર્શિતાનો ગંભીર અભાવ છે. આ ઉપરાંત એક કોન્ટ્રાકટર પાસેથી ભારતીય જનતા પાર્ટીના એક કોર્પોરેટર દ્વારા રૂૂ. 1,25,000ની માંગણી કરવામાં આવી હોવાનો મુદ્દો પણ સામે આવ્યો છે અને કોન્ટ્રાક્ટરને માનસિક રીતે હેરાન કરવાનો પ્રયાસ થયો હોવાની ચર્ચાઓ છે. આવા બનાવો દર્શાવે છે કે મહાનગરપાલિકાની અંદર કામકાજમાં કમિશન અને દબાણની સંસ્કૃતિ ઉભી થઈ રહી છે. રાજકોટની ચોથી જાગીર એટલે કે મીડિયા દ્વારા પણ આ મુદ્દાઓ સામે લાવવામાં આવ્યા છે. છતાંય અત્યાર સુધી સત્તાધીશો તરફથી કોઈ કડક પગલાં લેવાતા દેખાતા નથી, જે ખૂબ ચિંતાજનક બાબત છે. રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે હું રાજકોટની જનતાને અપીલ કરું છું કે જો ભારતીય જનતા પાર્ટીના કોઈપણ કોર્પોરેટર અથવા પદાધિકારીએ ભ્રષ્ટાચાર માટે તમારી પાસે પૈસા માંગ્યા હોય, તો તમે નિડર બનીને આગળ આવો. તમે રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલયનો સંપર્ક કરી શકો છો અથવા સીધો મારો સંપર્ક (98243 00007) કરી શકો છો. ભ્રષ્ટાચાર કરનાર લોકોને ખુલ્લા પાડવા માટે જનતાનો સહકાર જરૂૂરી છે. આજે ઘણા નાગરિકો એવી ફરિયાદ કરે છે કે પૈસા આપ્યા વગર મહાનગરપાલિકામાં કામ થતું નથી, જે શહેર માટે ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે. આથી રાજકોટની જાગૃત જનતાને અપીલ છે કે આપણે બધા મળીને મહાનગરપાલિકામાં ચાલતા કુશાસન અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવીએ અને શહેરને પારદર્શક અને જવાબદાર શાસન તરફ લઈ જઈએ. આ આશા સાથે કે રાજકોટની જનતા સત્ય અને ન્યાય માટે આગળ આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *