જય-વીરૂની જોડીએ શિયાળાની ઠંડીમાં પશુપાલકોની ટાઢ ઉડાદી દીધી
ભાવનગરની ભાગોળે ભંડારિયા, ખોખરા, સાણોદર સહિતના પંથકમાં આવેલી ગિરિમાળાઓમાં છેલ્લા કેટલાક દિવસથી ફરીથી જય અને વીરૂૂ નામના સાવજની જોડીએ ધામા નાખ્યા છે અને રાત પડેને શિકારે નીકળી પડે છે, શિયાળાની ઠંડીમાં આ બંને પુખ્ત સાવજો પેટની આગ ઠારવા દુધાળા પશુઓ ઉપરાંત વન્ય જીવનો શિકાર કરી રહ્યા છે. ગત રાત્રે ભંડારિયામાં ત્રણ ગાયોને શિકાર બનાવ્યો હતો ઉપરાંત નાના ખોખરા ગામમાં પણ એક વાછરડીનું મારણ કર્યું હતું. વનરાજોના વિચરણના કારણે માલધારીઓને રાત ઉજાગરા શરૂૂ થયા છે સાથે ફફડાટ મચ્યો છે.
પાલીતાણા નજીક શેત્રુંજી નદીના કાંઠે સાવજોનું ગ્રુપ વસી રહ્યું છે, જય અને વીરુ આ ગ્રુપના જ બે સભ્યો છે. છેલ્લા બે વર્ષથી આ બંને સાવજો શિયાળાના સમયે માળનાથ, મેલકડી તથા મહાદેવ ગાળાની ગિરિમાળાઓમાં આવી ચડે છે. આ બંને પુખ્ત નર સાવજ નવી ટેરેટરીની શોધમાં હોવાનું વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.
છેલ્લા એકાદ મહિનાથી જય -વીરુની જોડીએ આ પંથકમાં વિચરણ શરૂૂ કર્યું છે અને 20થી વધુ મારણ કર્યાનું અનુમાન છે, ગત રાત્રીના સુમારે ભંડારિયામાં ધાવડી માતા મંદિર નજીક પાણીના ટાંકા આવેલા છે તે સ્થળે માલધારીની જોકમાં બંને સાવજો ત્રાટક્યા હતા. અહીં તેમણે ત્રણ ગાયોને શિકાર કર્યો હતો પરંતુ કોઈ કારણોસર પેટની આગ ઠારી નહિ શકતા સાવજો અહીંથી ભૂખ્યા જ નાના ખોખરા તરફ ગયા હતા જ્યાં પણ એક વાછરડીનું મારણ કર્યાનું વન વિભાગ એ જણાવ્યું છે. ગત રાતે 4 પશુના શિકારની ઘટનામાં માનવીય વિક્ષેપ કારણભૂત હોવાનું વન વિભાગનું માનવું છે.
