જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)એ પ્રોહિબિશન વિરોધી અભિયાન અંતર્ગત મહત્વની કાર્યવાહી કરતાં જામનગર-રાજકોટ હાઇવે પર ખીજડિયા બાયપાસ નજીકથી એક કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે રૂ. 11.11,319 ના મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ હાથ ધરી છે. જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની ના માર્ગદર્શન હેઠળ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના નિર્દેશનમાં પીએસઆઈ એમ.વી. ભાટીયા તથા સ્ટાફ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો.
આ દરમિયાન એલસીબીના જવાનોને મળેલી ચોક્કસ બાતમીના આધારે જામનગર-રાજકોટ હાઇવે પર ખીજડિયા બાયપાસ નજીક આવેલી જય માતાજી હોટલના પાર્કિંગમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાં પાર્ક કરાયેલી **કિયા કાર નં. જી.જે-12 એફ.સી. 4886 ની તપાસ દરમિયાન અલગ-અલગ બ્રાન્ડની 388 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે દારૂની કિંમત રૂ.2,71,319 બે મોબાઇલ ફોન કિંમત રૂ. 40,000 તેમજ કાર કિંમત રૂ. 8 લાખ મળી કુલ રૂ. 11,11,310 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ કેસમાં પોલીસે જયદીપસિંહ ધર્મેન્દ્રસિંહ રાણા (રહે. ભલગામડા, તા. લીંબડી, જિ. સુરેન્દ્રનગર) અને મહેશભાઈ છેલ્લાભાઈ જોગરાણા (રહે. શક્તિ સોસાયટી, સ્ટેશન રોડ, લીંબડી, જિ. સુરેન્દ્રનગર)ની ધરપકડ કરી છે. જ્યારે કરણ ઉર્ફે ભાણો ભરવાડ (લીંબડી), યશભાઈ રાવલ (શાંતિનગર, જામનગર) અને પ્રકાશભાઈ (સાંચોર, રાજસ્થાન)ને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
આ અંગે પોલીસ હેડ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ જાડેજાની ફરિયાદના આધારે પીએસઆઈ એમ.વી. ભાટીયાએ પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત ઝડપાયેલા દારૂનો જથ્થો મંગાવનાર, સપ્લાય કરનાર તેમજ દરોડા દરમિયાન ફરાર થઈ ગયેલા અન્ય આરોપીઓને ઝડપી પાડવા તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
