વિદેશી સિગારેટ પર 110%થી વધુ કસ્ટમ ડ્યુટી લાગે છે જે ન ભરવા કાવતરુ રચાયુ હતું, ગાંધીધામના આયાતકારની ધરપકડ
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સની ગાંધીધામ રીજનલ યુનિટ દ્વારા ચોક્કસ બાતમીના આધારે વિદેશી સિગારેટના ગેરકાયદે ડાયવર્ઝન અને સ્મગલિંગના મોટા રેકેટને ઝડપી પાડવામાં આવ્યું છે. આ ઓપરેશનમાં મુંદ્રા પોર્ટથી કોલકાતાના ફાલ્ટા સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (સેઝ) સુધી ફેલાયેલા કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં ગાંધીધામ મૂળના આયાત કારની ધરપકડ પણ કરાઈ છે.
ડીઆરઆઈ દ્વારા કોલકાતાના ફાલ્ટા સેઝ ખાતે આવેલા વેસ્ટ બેંગલોર વેરહાઉસિંગ નામક યુનિટમાં તપાસનો દોર હાથ ધરાયો હતો. ઇનપુટ હતા કે મૂળ ગાંધીધામનો આરોપી અને આ ક્ધસાઇમેન્ટનો ઇમ્પોર્ટર પરવેઝ કાદરીએ મલેશિયાથી મુન્દ્રા પોર્ટ પર વિદેશી મોંઘી સિગારેટ જેવી કે ગુડાંગ ગરમ, એસે ગોલ્ડ, એસે લાઇટની 12 કરોડની કિંમત ધરાવતી 60 લાખથી વધુ સ્ટીક આયાત કરી હતી.
જેને કોલકાતાના ફાલ્ટા સેઝમાં લઈ જઈને ત્યાંથી તે મોંઘી વિદેશી સિગારેટનો જથ્થો ભારતીય બજારમાં દાણચોરી કરીને કાઢી નાખ્યો હતો અને તેની જગ્યાએ સસ્તી ભારતીય સિગારેટનો જથ્થો ભરીને તેને બાંગ્લાદેશ એક્સપોર્ટ દેખાડવાનો હતો. પરંતુ આ કાવતરાને તે સફળતા પૂર્વક અંજામ આપે તે પહેલાજ ડીઆરઆઈ ત્યાં ત્રાટકી, ત્યાં સુધી આયાતી વિદેશી સિગારેટનો મોંઘો જથ્થો તો સગેવગે થઈ ગયો હતો.
પરંતુ તેની જગ્યાએ નિકાસ દેખાડનારી 56.20 લાખ જેટલી ભારતીય અને ઓછી કિંમતની સિગારેટ મળી આવી હતી, જેની બજાર કિંમત ₹7.5 કરોડ થાય છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ સસ્તી સિગારેટનો જથ્થો અસલી વિદેશી સિગારેટની જગ્યાએ નિકાસ કરવા માટે રાખવામાં આવ્યો હતો, જેથી ડાયવર્ઝન પર પડદો પાડી શકાય. આ પ્રકરણમાં અંદાજે 5.32 કરોડની ડ્યુટી ચોરી ઝડપાઈ છે. ડીઆરઆઈની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ કૌભાંડમાં સામેલ સપ્લાયર્સની ઘણી કંપનીઓ માત્ર કાગળ પર જ હતી. હાલમાં આ કેસમાં ટ્રાન્સપોર્ટર્સની ભૂમિકા, સેઝના સુરક્ષા કર્મચારીઓની સંડોવણી અને અન્ય શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ ચાલી રહી છે.
કોટપા 2003 ના નિયમોના ભંગ બદલ અને કસ્ટમ્સ ડ્યુટીની ચોરી અંગે ડીઆરઆઈ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એજન્સીને લાંબા સમયથી હાથતાળી આપતા આરોપી પરવેઝ કાદરી આખરે દબોચાયો છે, જેને લઈને એજન્સી કોલકાતા કાયદાકીય કાર્યવાહી માટે રવાના થઈ છે.
તપાસમાં બહાર આવ્યું છે કે, વિદેશી મૂળની આ સિગારેટ મુંદ્રા પોર્ટ મારફતે આયાત કરવામાં આવી હતી અને તેને નિકાસ કરવાના હેતુથી કોલકાતાના ફાલ્ટા સેઝ ખાતે ટ્રાન્સશિપ કરવામાં આવી હતી. નિયમ મુજબ આ જથ્થો માત્ર નિકાસ માટે જ હતો, પરંતુ યુનિટ દ્વારા તેને બજારમાં ગેરકાયદેસર રીતે વેચવા માટે બહાર કાઢી લેવામાં આવ્યો હતો. વિદેશી સિગારેટ પર 110% થી વધુ કસ્ટમ ડ્યુટી લાગે છે, જેને ન ભરવા આ કાવતરું રચાયું હતું.
