ફોજદારી કેસોમાં આરોપીઓ નિર્દોષ છૂટી જવાના વધતા જતા કિસ્સાઓ વચ્ચે રાજ્યના ગૃહ વિભાગે એક અત્યંત મહત્વનો અને કડક નિર્ણય લીધો છે. કોર્ટમાં પ્રોસિક્યુશનની કામગીરીમાં ગંભીર ક્ષતિઓ અને બેદરકારી દાખવવા બદલ રાજ્યના પાંચ આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર (APP)ને તાકીદની અસરથી ફરજમુક્ત (બરતરફ) કરી દેવામાં આવ્યા છે. ગૃહ વિભાગના આ સપાટાથી સરકારી વકીલો આલમમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે હવે આરોપીઓ નિર્દોષ છુટશે તો પોલીસ અને વકીલ સામે પણ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરાશે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ફરજમુક્ત કરવામાં આવેલા આ સરકારી વકીલો સામે ગંભીર આક્ષેપો હતા. જેમાં પ્રોસિક્યુશનની કામગીરીની ઓનલાઈન એન્ટ્રી ન કરવી, છેલ્લા બે વર્ષથી કોર્ટમાં હાજર જ ન થવું તેમજ કોર્ટની કાર્યવાહીમાં નિયમિત હાજર ન રહેવા જેવી ગંભીર બેદરકારીઓ સામે આવી હતી. ગૃહ વિભાગને સોંપવામાં આવેલા તપાસ અહેવાલના આધારે આ આકરા પગલાં ભરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશો અને કેન્દ્ર સરકારની ગાઈડલાઈનને અનુસરીને રાજ્યના ગૃહ વિભાગ દ્વારા એક વિશેષ તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ એવા તમામ ફોજદારી કેસો અને કોર્ટના ઓર્ડર્સનું બારીકાઈથી મૂલ્યાંકન કરશે જેમાં આરોપીઓ નિર્દોષ છૂટી ગયા હોય.
આ સમિતિ તપાસ કરશે કે આરોપીના છૂટવા પાછળ પોલીસની તપાસમાં ખામી હતી કે પછી કોર્ટમાં સરકારી વકીલ (પ્રોસિક્યુશન) યોગ્ય રીતે કેસ લડી શક્યા નથી. જો કોઈ સામાન્ય ભૂલને કારણે નહીં, પરંતુ અધિકારીઓની ગંભીર બેદરકારી કે મિલીભગતને કારણે આરોપી બચી ગયો હોવાનું સાબિત થશે, તો જવાબદાર પોલીસ અધિકારી અને પબ્લિક પ્રોસિક્યુટર સામે ખાતાકીય પગલાં લેવા માટે શિસ્તભંગની કડક ભલામણ કરવામાં આવશે.
બરતફર કરાયેલ સરકારી વકીલોમાં કિરણકુમાર એ. શાહ (ખેડબ્રહ્મા), પરેશકુમાર નાંદોલિયા (મેટ્રો કોર્ટ), ફાલ્ગુનીબેન ડી. ઓઝા (આણંદ), શિલ્પાબેન એસ. શાહ (નર્મદા, ગરૂૂડેશ્વર), ભરતકુમાર એ. રાવત (વઢવાણ)નો સમાવેશ થાય છે.
