રાજકોટ શહેરમાં જાહેર જનતાની સલામતી, પક્ષીઓ તથા અન્ય જીવોના રક્ષણ અને જાહેર વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા સમગ્ર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં કેટલાક પ્રતિબંધાત્મક આદેશ કરવામાં આવ્યા છે.
પોલીસ કમિશનર દ્વારા જાહેર કરાયેલા પ્રતિબંધાત્મક આદેશ મુજબ જાહેર માર્ગ, રસ્તા, ફૂટપાથ તેમજ જાનનું જોખમ ઊભું થાય તેવા ભયજનક સ્થળોએ પતંગ ઉડાડવા પર પ્રતિબંધ રહેશે. નાયલોન, સિન્થેટિક મટીરીયલ અથવા સિન્થેટિક પદાર્થથી કોટેડ અને નોન-બાયોડિગ્રેડેબલ એવી ચાઇનીઝ દોરી મેળવવા, સંગ્રહ કરવા, વેચાણ કરવા કે તેનો ઉપયોગ પતંગ ઉડાડવા માટે કરવા પર પ્રતિબંધ રહેશે. તેમજ પતંગ ઉડાડવાથી કપાયેલી પતંગ કે દોરી પકડવા પર પણ પ્રતિબંધ રહેશે. સિન્થેટિક, સુતરાઉ કે અન્ય કોઈપણ પ્રકારની દોરી ઉપર લોખંડનો પાઉડર, કાચનો ભૂકો/પાઉડર અથવા અન્ય નુકસાનકારક પદાર્થ ચઢાવી તૈયાર કરેલી દોરી મેળવવા, ખરીદવા, સંગ્રહ કરવા, વેચાણ કરવા, ઉત્પાદન કરવા કે તેનો ઉપયોગ પતંગ ઉડાડવા માટે કરવા પર પ્રતિબંધ રહેશે. ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે ચાઇનીઝ માંઝા, પ્લાસ્ટિક દોરી, ગ્લાસ કોટેડ નાયલોન થ્રેડ તથા ચાઇનીઝ સ્કાય લેન્ટર્ન/તુક્કલના વેચાણ પર પ્રતિબંધ રહેશે.
સિન્થેટિક માંઝા, નાયલોન દોરી અથવા આવા સિન્થેટિક કોટેડ દોરાની આયાત કરવા પર પ્રતિબંધ રહેશે. પક્ષીઓ સવારના 06:00 થી 08:00 કલાક તથા સાંજના 18:00 થી 20:00 કલાક દરમિયાન માળામાંથી બહાર નીકળતા અને પરત ફરતા હોવાથી આ સમયગાળા દરમિયાન પતંગ ઉડાડવા પર પ્રતિબંધ રહેશે. ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્ન તથા સ્કાય લેન્ટર્ન ઉડાડવા, ખરીદવા, આયાત કરવા, વેચાણ કરવા, કબજામાં રાખવા કે સંગ્રહ કરવા પર પ્રતિબંધ રહેશે. જાહેર જનતાને ત્રાસ થાય તે રીતે અત્યંત મોટા અવાજે ધાર્મિક લાગણી દુભાય તેવા ગીતો કે સંગીત વગાડવા તેમજ આવા ભાષણો કે પ્રવચનો કરવા પર પ્રતિબંધ રહેશે. આમ જનતાની લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર ઉશ્કેરણીજનક લખાણો લખીને પતંગ ઉડાડવા પર પ્રતિબંધ રહેશે.
રાજકોટ શહેર પોલીસ દ્વારા નાગરિકોને પતંગોત્સવ દરમિયાન સલામતીના નિયમોનું પાલન કરવા તેમજ પક્ષીઓ, રાહદારીઓ અને વાહનચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જવાબદારીપૂર્વક પતંગ ઉડાવવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને પ્રતિબંધિત નાયલોન/ચાઇનીઝ દોરી અને સિન્થેટિક માંઝાનો ઉપયોગ, વેચાણ કે સંગ્રહ ન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ જાહેરનામુ આગામી તા. 30/11/2026ના 24:00 કલાક સુધી અમલમાં રહેશે. પ્રતિબંધાત્મક હુકમનો ભંગ કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
