ગ્રામ્યમાં પણ ત્રણ સ્થળે એક્સિડેન્ટ ઝોન, રબ્બર સ્ક્રીપ-લાઇટ અને રોડ સેફટીને લગતા સાધનો ઇન્સ્ટોલ કરાશે, ભયજનક રોડના બોર્ડ મૂકાશે
રાજકોટ શહેર-જિલ્લામાં રોજેરોજ નાના-મોટા અકસ્માતો સાથે જીવલેણ અકસ્માતો સર્જાય છે. દર મહિને ‘રોડ સેફટી’ કમિટીની બેઠક યોજાય છે અને તેમાં અક્સ્માતો ઘટાડવા મનોમંથન થાય છે પરંતુ અકસ્માતો અટકી રહ્યા નથી. જીવલેણ અકસ્માતો માટેના બ્લેકસ્પોટ ઓળખી લેવામાં આવ્યા છે પરંતુ તંત્રના આયોજનના અભાવે અકસ્માતોની ઘટનાઓ અવિરત વધી રહી છે.
શહેર પોલીસ દ્વારા 3 અને કલેક્ટરે રૂૂરલના 500 મીટરના 3 એવા રસ્તા આઇડેન્ટીફાય કર્યા છે, જે ‘બ્લેક સ્પોટ’ એટલે કે એક્સિડન્ટ ઝોન છે. અહીં છેલ્લા 3 વર્ષમાં (2023થી 2025) 45 ગંભીર અકસ્માત થયા છે અને 26 વાહનચાલકો મોતને ભેટ્યા છે. શહેરના ક્રિષ્ના વે બ્રિજ પર સૌથી વધુના મોત થયા છે.
રાજકોટ RTO ના અધિકારી ઇન્દ્રજીત ટાંકે જણાવ્યું કે, રાજકોટ શહેર અને રૂૂરલ વિસ્તારમાં અલગ-અલગ બ્લેક સ્પોટ નક્કી કરવામાં આવતા હોય છે. સિટી વિસ્તારમાં રોડ બનાવતી એજન્સી, RTO અને પોલીસની જોઈન્ટ કમિટી બનાવવામાં આવે છે. સિટી વિસ્તારમાં પોલીસ કમિશનર દ્વારા અને રૂૂરલ વિસ્તારમાં કલેક્ટર દ્વારા બ્લેક સ્પોટનું ફાઇનલ એપ્રુવલ આપવામાં આવે છે. બ્લેક સ્પોટ એટલે 500 મીટરનો એવો રસ્તો કે જ્યાં છેલ્લા 3 વર્ષમાં 5થી વધુ ગંભીર અકસ્માતો થયા હોય અને 10થી વધુ મોત થયા હોય.
વધુમાં ઇન્દ્રજીત ટાંકે ઉમેર્યું કે, રાજકોટ શહેરમાં 3 અને રૂૂરલમાં 3 બ્લેક સ્પોટ છે. જેમાં શહેરમાં કુવાડવા પોલીસ મથક વિસ્તારમાં રાજકોટ-મોરબી હાઈવે પર ગૌરીદડ ગામ રોડ, ગાંધીગ્રામ પોલીસ મથક વિસ્તારમાં 150 ફૂટ રિંગ રોડ પર અયોધ્યા ચોક અને આજીડેમ પોલીસ મથક વિસ્તારમાં રાજકોટ-અમદાવાદ-ગોંડલ હાઈવે પર સ્વાતિ પાર્ક મેઇન રોડ પાસે ક્રિષ્ના વે બ્રિજ છે. જ્યારે રાજકોટ રૂૂરલમાં શાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે પર કિશન પેટ્રોલ પંપ અને ખોડીયાર હોટેલ, મારુતિ પેટ્રોલ પંપ અને શાપર પૂલ ઉતરતા એમ કુલ 3 બ્લેક સ્પોટનો સમાવેશ થાય છે.
બ્લેક સ્પોટ રિમૂવ માટે બે પ્રકારના પગલા લેવાતા હોય છે, જેમાં શોર્ટ ટર્મ મેઝર અને લોંગ ટર્મ મેઝરનો સમાવેશ થાય છે. શોર્ટ ટર્મ મેઝરમાં રબ્બર સ્ટ્રીપ, લાઇટ અને રોડ શેફ્ટીને લગતા સાધનો ઇન્સ્ટોલ કરવામાં આવે છે. બ્લેક સ્પોટ હોય ત્યાં ભયજનક રોડના બોર્ડ લગાવવામાં આવતા હોય છે, જેથી અહીંથી લોકો પસાર થાય ત્યારે તકેદારી રાખે જેથી અકસ્માતો અને મૃત્યુને નિવારી શકાય.
ગુજરાતના તમામ જિલ્લાઓમાં વર્ષ 2022થી 2024 દરમિયાનના 56 બ્લેક સ્પોટ હોવાનું સામે આવ્યું છે. રાજ્યની RTO કચેરી દ્વારા તમામ શહેર અને જિલ્લાની કટેરી પાસેથી માહિતી મંગાવવામાં આવી છે. આવનારા દિવસોમાં નવા બ્લેક સ્પોટ જાહેર કરવામાં આવનાર છે. રાજકોટ RTO એ શહેરમાં 6 અકસ્માત ઝોન જાહેર કરી, ત્યાં રોડ સેફ્ટી માટેની કાર્યવાહી કરવામાં આવી છે.
