ફ્લાયદુબઈના કો-પાઈલટનું અલકાયદા કનેક્શન? કટ્ટરપંથી તસવીરો અને ક્રેશના કથિત કાવતરાથી ખળભળાટ

  ફ્લાયદુબઈ (Flydubai)ની ફ્લાઇટને ક્રેશ કરવાના કાવતરા અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનામાં સામેલ કો-પાયલટની ઓળખ ઓમાનના નાગરિક હમામ અલ-હમ્મામી તરીકે થઈ છે.…

 

ફ્લાયદુબઈ (Flydubai)ની ફ્લાઇટને ક્રેશ કરવાના કાવતરા અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનામાં સામેલ કો-પાયલટની ઓળખ ઓમાનના નાગરિક હમામ અલ-હમ્મામી તરીકે થઈ છે. એક અહેવાલ મુજબ, તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અલ-કાયદા સાથે સંકળાયેલા આતંકવાદીઓના ફોટા મળી આવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, હમામ અલ-હમ્મામી કટ્ટરપંથી વિચારધારા ધરાવતો હતો અને તેની આ માનસિકતાના કારણે જ ઓમાને અગાઉથી તેના વિમાન ઉડાડવા પર પ્રતિબંધ (બેન) મૂકી દીધો હતો. તેમ છતાં ફ્લાયદુબઈ એરલાઈન્સે તેને નોકરી પર રાખીને UAE અને ઈઝરાયેલ જેવા અત્યંત સંવેદનશીલ રૂટ પર વિમાન ઉડાડવાની જવાબદારી સોંપી દીધી હતી.

મળતી માહિતી મુજબ, કો-પાઈલટ હમામ અલ-હમ્મામીએ કોકપિટમાં કેપ્ટન પર ચપ્પુથી હુમલો કર્યો હતો અને વિમાનને નીચે લઈ જવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે. આ સમયે ફ્લાઈટમાં હાજર રિઝર્વ પાઈલટ, ક્રૂ મેમ્બર્સ અને કેટલાક મુસાફરોએ દરમિયાનગીરી કરી કો-પાઈલટને કાબૂમાં લીધો હતો. ત્યારબાદ ફ્લાઈટનું સાઉદી અરેબિયાના તબૂક એરપોર્ટ પર સુરક્ષિત ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનામાં ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર અને ક્રૂ મેમ્બર્સે અસાધારણ હિંમત દાખવી હોવાનું જણાવાઈ રહ્યું છે.

આ ઘટના બાદ કો-પાઈલટને સાઉદી અરેબિયા દ્વારા UAEને સોંપવામાં આવ્યો હોવાની માહિતી છે અને ઘટનાની તપાસ હાથ ધરાઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કો-પાઈલટની અગાઉની પૃષ્ઠભૂમિ અને તેને ઓમાન દ્વારા લગાવવામાં આવેલા કથિત પ્રતિબંધ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.હવે તપાસનો મુખ્ય મુદ્દો એ છે કે આ વ્યક્તિની પૃષ્ઠભૂમિ અંગેની માહિતી ફ્લાઈટ ઓપરેટર સુધી પહોંચી હતી કે નહીં અને જો પહોંચી હતી તો તેને સંવેદનશીલ આંતરરાષ્ટ્રીય રૂટ પર ફ્લાઈટની જવાબદારી કેવી રીતે સોંપાઈ?

ઘટના પાછળ કોઈ પૂર્વઆયોજિત કાવતરું હતું કે નહીં, તેમજ સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ચૂક થઈ હતી કે કેમ—તે અંગે તપાસ એજન્સીઓ તપાસ કરી રહી છે. એક તરફ કોકપિટમાં બનેલી ઘટનાએ એરલાઈન સિક્યુરિટી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે, તો બીજી તરફ ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર અને ક્રૂની ત્વરિત કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી હોવાનું સામે આવ્યું છે. હાલ સમગ્ર મામલે સત્તાવાર તપાસના અંતિમ તારણની રાહ જોવાઈ રહી છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *