લો વિઝિબિલિટીથી અમદાવાદ એરપોર્ટ પર ફલાઇટસનું શિડયુલ ખોરવાયું

50થી વધુ ફલાઇટસ 2થી 3 કલાક મોડી ચાલી રહી છે સમગ્ર ઉત્તર ભારતમાં હાલ હિમવર્ષા અને ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેની સીધી…

50થી વધુ ફલાઇટસ 2થી 3 કલાક મોડી ચાલી રહી છે

સમગ્ર ઉત્તર ભારતમાં હાલ હિમવર્ષા અને ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેની સીધી અસર હવે ગુજરાતના હવાઈ વ્યવહાર પર પડી છે. શ્રીનગર સહિતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં ’લો વિઝિબિલિટી’ના કારણે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફલાઇસનું શિડયુલ ખોરવાયું છે.

મુસાફરોની હાલાકી તાજેતરના અહેવાલો મુજબ, અમદાવાદ આવતી અને અહીંથી ઉપડતી અંદાજે 50 જેટલી ફ્લાઈટ્સ 2 થી 3 કલાક જેટલી મોડી ચાલી રહી છે. ખાસ કરીને શ્રીનગરમાં ખરાબ હવામાનને કારણે ત્યાંની ફ્લાઈટ્સ રદ કરવાની ફરજ પડી છે. આ ઉપરાંત, અમદાવાદ-બેંગ્લૂરુ વચ્ચેની ફ્લાઈટ્સ પણ રદ થતા મુસાફરોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે.

એરપોર્ટ પર અરાજકતા જેવી સ્થિતિવહેલી સવારથી જ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટતા રનવે પર કામગીરી પ્રભાવિત થઈ હતી. ફ્લાઈટ્સ લેટ પડવાને કારણે એરપોર્ટ પર મુસાફરોની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. નાના બાળકો અને વૃદ્ધો સાથે મુસાફરી કરતા લોકોએ કલાકો સુધી એરપોર્ટ પર રાહ જોવી પડી હતી, જેના કારણે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. એરલાઈન્સ દ્વારા મુસાફરોને રિફંડ અથવા વૈકલ્પિક વ્યવસ્થા માટે ખાતરી આપવામાં આવી રહી છે, પરંતુ શિડ્યુલ ખોરવાતા કનેક્ટિંગ ફ્લાઈટ પકડનારા મુસાફરો સૌથી વધુ પરેશાન થયા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 થી 48 કલાક સુધી ઉત્તર ભારતમાં સ્થિતિ આવી જ રહેવાની શક્યતા છે. જો હિમવર્ષા ચાલુ રહેશે, તો ફ્લાઈટના સંચાલનમાં હજુ પણ વધુ વિલંબ થઈ શકે છે. મુસાફરોને એરપોર્ટ આવતા પહેલા પોતાની ફ્લાઈટનું સ્ટેટસ ચેક કરી લેવા માટે એરલાઈન્સ દ્વારા સૂચના આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *