રાજકોટ-મોરબી-પોરબંદર અને મોડાસાના પાંચ સેશન્સ જજને ફરજિયાત નિવૃત્ત કરાયા

ગુજરાતના ન્યાય તંત્રમાં મોટી કાર્યવાહીથી ખળભળાટ, કાયદા વિભાગ દ્વારા ખાસ જાહેર હિતમાં લેવાયેલ નિર્ણય ગુજરાતના ન્યાયતંત્રમાં શુદ્ધિકરણ અને વહીવટી કાર્યક્ષમતા વધારવા માટે હાઈકોર્ટ દ્વારા એક…

ગુજરાતના ન્યાય તંત્રમાં મોટી કાર્યવાહીથી ખળભળાટ, કાયદા વિભાગ દ્વારા ખાસ જાહેર હિતમાં લેવાયેલ નિર્ણય

ગુજરાતના ન્યાયતંત્રમાં શુદ્ધિકરણ અને વહીવટી કાર્યક્ષમતા વધારવા માટે હાઈકોર્ટ દ્વારા એક મોટું કદમ ઉઠાવવામાં આવ્યું છે. રાજ્યના ન્યાય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આદેશ મુજબ, રાજકોટ, મોરબી, પોરબંદર અને મોડાસામાં કાર્યરત પાંચ જેટલા સિનિયર સેશન્સ જજને તાત્કાલિક અસરથી ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા છે. આ નિર્ણયને પગલે ન્યાયિક આલમમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.
કાયદા વિભાગના સંયુક્ત સચિવ એચ. એચ. વર્મા દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર જાહેરનામા મુજબ, ગુજરાત સિવિલ સર્વિસીસ (પેન્શન) નિયમો, 2002 અને ગુજરાત રાજ્ય ન્યાયિક સેવા નિયમો, 2005 હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને આ કાર્યવાહી કરવામાં આવી છે.

આ પાંચેય અધિકારીઓને ત્રણ મહિનાના પગાર અને ભથ્થાં આપીને તાત્કાલિક છૂટા કરવામાં આવ્યા છે. જે પાંચ સિનિયર સેશન્સ જજને તાત્કાલિક અસરથી ફરજિયાત નિવૃત્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમાં પ્રથમેશ વિનોદચંદ્ર શ્રીવાસ્તવ, પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ, મોરબી,પ્રશાંત વિનોદરાય જોષી, પ્રિન્સિપલ જજ, ફેમિલી કોર્ટ, મોરબી,મોહમ્મદ ઈલિયાસ ફરીદભાઈ માંડલી, પ્રિન્સિપલ જજ, ફેમિલી કોર્ટ, પોરબંદર,અલીહુસેન મોહિબુલ્લા શેખ, 3જા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ, રાજકોટ (ધોરાજી ખાતે),કિરીટકુમાર જયંતીલાલ દરજી, એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ, અરવલ્લી-મોડાસાનો સમાવેશ થાય છે. ન્યાયિક સેવાઓના નિયમો મુજબ, જ્યારે કોઈ અધિકારીની કામગીરી સંતોષકારક ન જણાય અથવા વહીવટી શિસ્તનો અભાવ જોવા મળે, ત્યારે જાહેર હિતમાં તેમને મુદત પૂર્વે નિવૃત્ત કરવાની જોગવાઈ છે.

આ પાંચેય જજોને તેમની નિવૃત્તિની વય મર્યાદા પહેલા જ ‘રિટાયર’ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં એકસાથે પાંચ જેટલા ઉચ્ચ કક્ષાના ન્યાયાધીશો સામે આવી કાર્યવાહી થવી એ રાજ્યમાં ન્યાયિક પારદર્શિતા જાળવવાની કટિબદ્ધતા દર્શાવે છે. અગાઉ પણ હાઈકોર્ટે નીચલી અદાલતોના ન્યાયાધીશો સામે શિસ્તભંગના પગલાં ભર્યા છે, પરંતુ સેશન્સ જજ લેવલના અધિકારીઓ પરની આ કાર્યવાહી અન્ય ન્યાયિક અધિકારીઓ માટે લાલબત્તી સમાન માનવામાં આવે છે. આ આદેશ બાદ સંબંધિત કોર્ટમાં કેસોની સુનાવણી પર અસર ન પડે તે માટે હાઈકોર્ટ દ્વારા ટૂંક સમયમાં નવા જજોની નિમણૂક અથવા વધારાનો ચાર્જ સોંપવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે. તેમજ પાંચેય જજને નોટિસના સમયગાળાના બદલામાં ત્રણ મહિનાથી ઓછા નહીં તેટલા પગાર અને ભથ્થાં આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *