ગુજરાત રાજ્યમાં હાલ ચોમાસુ પૂરબહારમાં ખીલ્યું છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 8 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેને પગલે સમગ્ર તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. રાજ્યમાં એકસાથે પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે સ્થિતિ ગંભીર બની શકે છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે. 8 જુલાઈ સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે તો કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે. 5-6 જુલાઈએ વરસાદનું જોર વધશે. ગાંધીનગર અને અમદાવાદના કેટલાક વિસ્તારમાં ભારે થી અતિભારે વરસાદની પણ આગાહી છે. 6 જુલાઇ સુધીમાં મધ્ય ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ ગુજરાત પર એકસાથે પાંચ મહત્વની સિસ્ટમ સક્રિય છે, જેમાં ઓફશોર ટ્રફ, શીયર ઝોન, અપર એર, પશ્ચિમ બંગાળમાં લો-પ્રેશર અને સાયકલોનિક સર્ક્યુલેશનનો સમાવેશ થાય છે. આ સિસ્ટમોને કારણે રાજ્યમાં ભારે વરસાદ માટે અત્યંત અનુકૂળ વાતાવરણ સર્જાયું છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત ચારેય ઝોનમાં વરસાદનું જોર જોવા મળશે. બંગાળના ઉપસાગરમાં સર્જાયેલા હળવા દબાણ અને અરબી સમુદ્રના ભેજ સાથે પશ્ચિમી વિક્ષેપ સક્રિય થતાં વરસાદ વધુ તીવ્ર બની શકે છે.
હવામાન વિભાગે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે ચેતવણી જાહેર કરી છે. પોરબંદર, ગીર સોમનાથ, દીવ, ભરૂૂચ, સુરત, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ અને તેજ પવનની આગાહી સાથે ’રેડ એલર્ટ’ આપવામાં આવ્યું છે. આગામી 48 કલાકમાં અમદાવાદ અને ગાંધીનગરના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. 5 થી 6 જુલાઈ દરમિયાન વરસાદનું જોર સૌથી વધુ રહેવાની આગાહી કરવામાં આવી છે.
