બન્ને પક્ષના 10 સભ્યો વિરુદ્ધ સામસામે પોલીસ ફરિયાદ
જેતપુર તાલુકાના પેઢલા ગામે પ્રેમલગ્નની જૂની અદાવતને લઈને બે પરિવારો વચ્ચે મારામારી થઇ હતી. લાકડીઓ અને તીક્ષ્ણ હથિયારો વડે થયેલા આ હુમલામાં બંને પક્ષના પાંચ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે, આ મામલે જેતપુર પોલીસ સ્ટેશનમાં બંને પક્ષો દ્વારા સામસામી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
પ્રથમ ફરિયાદ પેઢલા ગામે રહેતા રાધાબેન હરેશભાઇ સરવૈયાએ નોંધાવી છે.
તેમની દીકરી ધ્રુવીએ ગૌતમ નામના સાહેદ સાથે પ્રેમલગ્ન કર્યા હતા, જે બાબત સામા પક્ષના કુસુમબેન મકવાણાના પરિવારને મંજૂર ન હતી. આ અદાવતમાં જ્યારે રાધાબેન અને ધ્રુવી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપીઓએ પથ્થરમારો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઝઘડો વકરતાં આરોપીઓએ લાકડી વડે હુમલો કરી ગૌતમને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને ધ્રુવી તથા ગૌતમ અને અનીલને ઢીકાપાટુનો માર માર્યો હતો. પોલીસે આ મામલે કુસમબેન અશોકભાઇ મકવાણા , હર્ષભાઇ અશોકભાઇ મકવાણા, ભાવેશભાઇ કરશનભાઇ મકવાણા, અશોકભાઇ કરશનભાઇ મકવાણા અને નિકુંજભાઇ સંજયભાઇ મકવાણા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સામા પક્ષે ભાનુબેન ચંદુભાઇ મકવાણાએ વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં રાધાબેન હરેશભાઇ સરવૈયા , ધ્રુવીબેન ગૌતમભાઇ સરવૈયા , ગૌતમભાઇ હરેશભાઇ સરવૈયા , અનીલભાઇ ભીમજીભાઇ મકવાણા અને હરેશભાઇ નારણભાઇ સરવૈયાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, પ્રેમલગ્ન બાદ કોઈ સમાધાન થયું ન હતું. ઘટનાના દિવસે આરોપીઓએ ઘર બહાર આવી છરી બતાવી મોટરસાઈકલના હોર્ન વગાડી વિવાદ ઊભો કર્યો હતો. આ અંગે સમજાવવા જતાં સામા પક્ષના લોકોએ લાકડાના ધોકા અને તીક્ષ્ણ હથિયારો સાથે હુમલો કર્યો હતો, જેમાં કુસુમબેન સહિતના લોકોને શરીરે મૂઢ ઈજાઓ થઈ હતી. પોલીસે આ મામલે પણ રાધાબેન સરવૈયા સહિત પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂૂ કરી છે.
