પોપટપરા નજીક નશાની હાલતમાં કાર હંકારતા વેપારી સહિત પાંચ નશાખોર પકડાયા

રાજકોટ શહેરના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રવિવારની રાત્રે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસ સ્ટાફ જ્યારે પોપટપરા નાલા પાસે ગુરૂૂદ્વારા સામેના…

રાજકોટ શહેરના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રવિવારની રાત્રે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસ સ્ટાફ જ્યારે પોપટપરા નાલા પાસે ગુરૂૂદ્વારા સામેના જાહેર રોડ પર પેટ્રોલિંગમાં હતો, ત્યારે સામેથી એક મારુતિ સુઝુકી કંપનીની સિયાઝ કાર અત્યંત જોખમી રીતે સર્પાકાર ગતિએ આવતી જણાઈ હતી. પોલીસે તુરંત આ શંકાસ્પદ કારને અટકાવી તપાસ હાથ ધરતા તેમાં પાંચ ઇસમો સવાર હોવાનું માલૂમ પડ્યું હતું. કાર ચાલક સહિત તમામ પાંચેય વ્યક્તિઓના મોઢામાંથી કેફી પ્રવાહીની તીવ્ર વાસ આવતી હતી અને તેમની આંખો નશાને કારણે લાલચોળ જણાઈ રહી હતી.

પ્રાથમિક પૂછપરછમાં કાર ચાલકની ઓળખ સુરતના પાલનપુર ગામના રહેવાસી 42 વર્ષીય કિશોરભાઈ અશોકભાઈ મોટવાણી તરીકે થઈ છે. તેની સાથે કારમાં સવાર અન્ય મિત્રોમાં રાજકોટના ગિરીશભાઈ સચાનંદભાઈ મોટવાણી, ગીર સોમનાથના અમરભાઈ કિશોરભાઈ લાલવાણી, ઉપલેટાના નિલેશભાઈ પરસોત્તમભાઈ ભાયાણી અને સુરતના પ્રકાશભાઈ અશોકભાઈ મોટવાણીનો સમાવેશ થાય છે.
આ તમામ શખ્સો વેપારના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. નશાની હાલત એટલી ગંભીર હતી કે કારમાંથી નીચે ઉતાર્યા બાદ તેઓ પોતાના શરીરનું સંતુલન પણ જાળવી શકતા નહોતા અને થોથરાતી જીભે વાત કરી રહ્યા હતા.

આ મામલે પોલીસે કડક કાર્યવાહી કરતા મુખ્ય આરોપી કિશોરભાઈ મોટવાણી વિરુદ્ધ મોટર વાહન અધિનિયમની કલમ 185 અને પ્રોહિબિશન એક્ટની કલમ 66(1)(બી) હેઠળ ગુનો નોંધ્યો છે. જ્યારે અન્ય ચાર શખ્સો વિરુદ્ધ પણ નશો કરવા બદલ અલગથી ફરિયાદ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
પોલીસે પંચોની હાજરીમાં તમામ પ્રક્રિયા પૂર્ણ કરી રાત્રે 21:30 કલાકે આરોપીઓની ધોરણસર અટકાયત કરી હતી. આ સમગ્ર કામગીરીમાં પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.બી. રાણીંગા અને તેમની ટીમ જોડાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *