નવા મેયરપદ માટે પોણો ડઝન દાવેદાર, ડે.મેયરપદ લોહાણા મહિલાને?

ધારાસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇ મહાનગરપાલિકાના નવા સુકાનીઓની પસંદગીમાં જ્ઞાતિ ફેકટર લેવાશે ધ્યાને સ્ટેન્ડિંગ ચેરમેનપદ માટે ઓબીસી ચહેરાને તક અપાય તેવી પૂરી શક્યતા : રાજકોટ સહિતની…

ધારાસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇ મહાનગરપાલિકાના નવા સુકાનીઓની પસંદગીમાં જ્ઞાતિ ફેકટર લેવાશે ધ્યાને

સ્ટેન્ડિંગ ચેરમેનપદ માટે ઓબીસી ચહેરાને તક અપાય તેવી પૂરી શક્યતા : રાજકોટ સહિતની મનપા માટે પ્રદેશમાં ગોઠવાઇ રહ્યા છે જ્ઞાતિ સમીકરણોના ચોકઠા

ટિકિટ ફાળવણીને લઇને લોહાણા અને બ્રાહ્મણ સમાજની નારાજગીને દૂર કરવા માટે આ બન્ને જ્ઞાતિના ચહેરાને મહત્વના હોદ્દા આપવામા આવે તેવી સંભાવના

રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપે સતા માટે વટભેર પુનરાવર્તન કર્યુ છે. હવે ખુરશી માટે ખેંચતાણ શરૂૂ થવાની છે. શહેરના પ્રથમ નાગરિક અને મોભાદાર મેયરપદ, મલાઇદાર સ્ટેન્ડીંગ ચેરમેનપદ અને ડેપ્યુટી મેયરપદ આ મુખ્ય ત્રણ હોદા માટે ખાસ કરીને સિનિયર ઉમેદવારો ચૂંટાતા જ રેસ લાગી છે. જો કે વિધાનસભાની ચૂંટણી આડે દોઢથી પોણા બે વર્ષ જ બાકી હોય તેને ધ્યાનમાં રાખીને વિવિધ જ્ઞાતિ- સમાજના સમીકરણ મુજબ હોદાની વહેંચણી કરવામા આવશે એ નિશ્ચિત છે. હાલ તો હોદા માટે દાવેદારોએ જોર લગાવવાનું શરૂૂ કરી દીધુ છે. મેયરપદ માટે પોણો ડઝન દાવેદારો છે. પ્રથમ અઢી વર્ષ સામાન્ય પુરુષ છે જ્યારે બાકીના અઢી વર્ષ દલિત મહિલા અનામત છે. ટર્મના પાછલા અઢી વર્ષમાં મહિલા મેયર હોય પ્રથમ અઢી વર્ષ માટે ડેપ્યુટી મેયરની ખુરશી મહિલાને આપે તેવી પુરી શક્યતા છે.

અને એમા પણ આ વખતે વોર્ડ નં.2 સહિતના વિસ્તારોમાં લોહાણા સમાજ ભાજપ પ્રત્યે નારાજ થયો હોય આ નારાજગી દૂર કરવા માટે ડેપ્યુટી મેયરપદે રઘુવંશી મહિલાને સ્થાન આપવામા આવે તો નવાઇ નહીં. તો બીજીબાજી ઓબીસી સમાજને રાજી કરવા માટે સ્ટેન્ડીંગ ચેરમેનપદે કોઇ ઓબીસી સમાજના સભ્યને ચાન્સ આપવામા આવે તેવી પણ એક સંભાવના સેવાઇ રહી છે. રાજકોટ ભાજપમાં પહેલા ટિકિટ માટે ધમાસાણ ચાલ્યુ. હવે જ્યારે પુર્ણ બહુમતી સાથે ફરી એકવખત મનપામાં સતા આવી છે ત્યારે હવે ખુરશી માટે પડાપડી થવા લાગી છે.

આ રીતે રચાઇ શકે છે હોદા માટેના સમીકરણો
સામાન્ય પુરુષમાં મેયર પદ માટે
– જો પાટીદાર સમાજનું ફેકટર કામ કરી જશે તો ત્રણ વખત ચૂંટાઇને આવેલા કેતન પટેલ અથવા તો અશ્વિન ભોરણિયા અને બીજી વખત ચૂંટાયેલા તેમજ ધારાસભ્ય ઉદય કાનગડના નજીકના દિલીપ લુણાગરિયાનું નામ સંભળાય છે.
– ક્ષત્રિય ફેકટર કામ કરશે તો સિનિયરમાં પૂર્વ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ(ટીકુભા)ની પસંદગી થઇ શકે.
– બ્રાહ્મણ ફેકટર કામ કરશે તો નેહલ શુક્લનું નામ ટોચ પર કહી શકાય. આ ઉપરાંત છેલ્લા 22 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા અને પુરુષોતમ રૂૂપાલાના નજીકના મનિષ ભટ્ટ અને રમેશ રૂૂપાપરાના નજીકના પરેશ ઠાકર પણ દાવેદારોમાં ગણાવી શકાય.

ડેપ્યુટી મેયર પદ માટે
– મેયરપદની બીજી ટર્મ મહિલા માટે હોય પ્રથમ અઢી વર્ષ માટે પાટીદાર સમાજના કોઇ મહિલા ઉપર પસંદગીનો કળશ મુકવામા આવી શકે.(જો મેયરમાં પાટીદાર સમાજમાંથી મુકવામા ન આવે તો). ગત ટર્મમાં મેયરપદ માટે જ્યોત્સનાબેન ટીલાળા મજબૂત દાવેદાર હતા પણ તેમના નસીબમાં હોદો ન આવતા આ વખતે ડેપ્યુટી મેયરપદ આપવામા આવે તેવી પ્રબળ સંભાવના છે.

સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે
– ઓબીસી સમાજને પ્રધાન્ય આપવામા આવે તો મેયરપદના અનુભવી, 11 હજારથી વધુ લીડ લઇ જનાર ડો.પ્રદીપ ડવ, સતત બીજી બીજીવખત ચૂંટાયેલા અનુભવી હિમેન ખિમાણિયા અને જો નવા ચહેરાને મુકવામા આવે તો ઘનશ્યામભાઇ હેરભાના નામની ચર્ચા છે.

હોદ્દાની જાહેરાત માટે તા.6 પછી બોલાવાશે ખાસ બોર્ડ
ઉમેદવારોને 6 તારીખ સુધી હેડક્વાર્ટર રાજકોટ ન છોડવા પ્રદેશમાંથી આવી સુચના શાસનનું નવા માળખાની રચના માટે તા.6 પછી ખાસ જનરલ બોર્ડ બોલાવવામા આવે તેવુ પ્રદેશ ભાજપના સુત્રોમાંથી જાણવા મળે છે. બોર્ડમાં મેયર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન, સ્ટેન્ડીંગના સભ્યો , ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા અને દંડક ઉપરાંત 15 સમિતિના ચેરમેન તથા સમિતિના સભ્યોની રચના જાહેર કરવામા આવશે. હોદા માટે પ્રદેશમાંથી પસંદગી કરીને કોઇપણ સમયે વીહીપ આવી શકે તેમ હોય વિજેતા તમામ ઉમેદવારોને તા.6 સુધી હેડક્વાર્ટર રાજકોટ ન છોડવા, બહારગામ ફરવા ન જવાની સુચના આવી છે.

નવા ચહેરાઓને ‘પાઠશાળા’ રૂૂપી પેટા સમિતિમાં સ્થાન આપી કરાશે ઘડતર
પ્રથમ વખત જ ચૂંટાયા હોય તેવા નવા ચહેરાઓને મહાનગરપાલિકાના રાજકારણ, વહીવટી રીતે ઘડતર કરવા માટે ‘પાઠશાળા’ રૂૂપી જે 15 પેટા સમિતિઓ છે તેમા સ્થાન આપવામા આવશે એ નિશ્ચિત છે. અઢી વર્ષ સુધી આ પેટા કમિટીનો કારોભાર સંભાળ્યા બાદ મનપાના વહીવટમાં ચાંચ ડૂબવા લાગશે એ પછી મુખ્ય હોદા પર પણ આવી શકે છે. 15 પેટા કમિટીમાં પણ મલાઇદાર કહી શકાય તેવી ટાઉન પ્લાનીંગ, બાંધકામ, આરોગ્ય, સોલિડ વેસ્ટ(સેનીટેશન) કમિટી માટે પણ નવા ચહેરાઓ અત્યારથી જ તલપાપડ થતા હોવાની પણ ચર્ચા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *