યુનાઇટેડ નેશન્સ સિકયોરિટી કાઉન્સિલે ઇરાની આક્રમણ રોકાવવા કર્યો ઠરાવ પસાર: યુધ્ધ વિરામ માટે આહવાન
યુનિસેફ દ્વારા જારી કરવામાં આવેલા આઘાતજનક અહેવાલ મુજબ, 28 ફેબ્રુઆરીથી શરૂૂ થયેલા અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના ભીષણ સંઘર્ષમાં અત્યાર સુધી 1100થી વધુ બાળકો ભોગ બન્યા છે, જેમાંથી એકલા ઈરાનમાં જ 200 બાળકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે લેબનાનમાં 91, ઈઝરાયેલમાં 4 અને કુવૈતમાં 1 બાળકના મોતના અહેવાલ છે. સતત થઈ રહેલા બોમ્બમારો અને વધતી જતી હિંસાને કારણે લાખો બાળકોએ શિક્ષણ ગુમાવ્યું છે અને સેંકડો પરિવારો વિસ્થાપિત થયા છે, જેના પગલે યુનિસેફે ચેતવણી આપી છે કે જો આંતરરાષ્ટ્રીય સમુદાય તાત્કાલિક પગલાં નહીં લે તો આ આંકડો હજુ પણ ભયજનક રીતે વધી શકે છે.
ભારત સરકારે પશ્ચિમ એશિયામાં ફસાયેલા પોતાના નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવાનું અભિયાન તેજ કર્યું છે. લેબનાનથી 177 ભારતીય નાગરિકોને લઈને એક ચાર્ટર ફ્લાઈટ બુધવારે દિલ્હી પહોંચી છે. આ ઉપરાંત, કતારથી પણ 500થી વધુ ભારતીયો મુંબઈ અને દિલ્હી પરત ફર્યા છે. ભારત સરકાર હજુ પણ વધારાની ફ્લાઈટ્સ દ્વારા નાગરિકોને પરત લાવવાની વ્યવસ્થા કરી રહી છે.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં 13 મતો સાથે એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે, જેમાં ઈરાનને ખાડી દેશો (બહેરીન, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા) પર હુમલા રોકવા માટે તાકીદ કરવામાં આવી છે. જોકે, ઈરાને આ પ્રસ્તાવને પક્ષપાતી ગણાવીને ફગાવી દીધો છે.
બહેરીનના મુહર્રક આઇલેન્ડ પર આવેલા ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે ગુરુવારે સવારે ઈરાન દ્વારા મોટો હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલાને કારણે એરપોર્ટ નજીક આવેલી તેલની ટાંકીઓમાં ભીષણ આગ ફાટી નીકળી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ટાંકીઓ એરપોર્ટ અને દેશના તેલ ઉદ્યોગ માટે ફ્યુઅલ સ્ટોરેજ તરીકે વપરાતી હતી. આસપાસના લોકોને બારી-બારણાં બંધ રાખી ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.
ઓમાનના સલાલાહ પોર્ટ પર તેલ સ્ટોરેજ ટેન્કોને ડ્રોન દ્વારા નિશાન બનાવવામાં આવી છે. આ ઘટના બાદ ઓમાનના સુલતાને ઈરાનના રાષ્ટ્રપતિ સાથે ફોન પર વાત કરી છે. બીજી તરફ, ઈરાકી દરિયાઈ ક્ષેત્રમાં પણ ઈંધણ લઈ જઈ રહેલા બે વિદેશી ટેન્કરો પર હુમલો થતા તેમાં આગ લાગી હતી, જેમાંથી 25 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બહાર કઢાયા છે.
