રાજકોટની ઝનાના હોસ્પિટલમાં ઓડીશા જેવી ઘટનાની દહેશત ઉભી થઇ છે. ઓડિશાના કટકમાં આવેલી શ્રીરામા ચંદ્ર ભાંજ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ટ્રોમા કેર વિભાગમાં શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં 10 લોકોના મોત નિપજ્યા હોય ત્યારે આ ઘટનાને લઇ દેશભરની સરકારી હોસ્પિટલમાં ફાયર સીસ્ટમની ચકાસણી કરવા સુચના આપવામાં આવી હોય ત્યારે રાજકોટ ઝનાના હોસ્પિટલ જ્યાં સૌરાષ્ટ્રભરમાંથી સગર્ભા અને મહિલા દર્દીઓ તેમજ નવજાત બાળકોની સારવાર કરવામાં આવે છે.
ત્યાં છેલ્લા પાંચ માસ થી મેન્ટેનન્સના અભાવે દર્દીઓના જીવ જોખમમાં મુકાયા છે અને દર્દીઓ ભગવાન ભરોસે મુકાયા છે ત્યારે સગર્ભા અને બાળ દર્દીની સુરક્ષાને લઈને વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને ઓડિશાના કટકમાં બનેલી તાજેતરની આગની ઘટના બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડો. મોનાલી માંકડિયાએ ગંભીરતા દાખવી છે. સિવિલના ઝનાના (ગાયનેક) વોર્ડમાં છેલ્લા પાંચ મહિનાથી બંધ પડેલી ફાયર સીસ્ટમનું તાત્કાલિક મેઇન્ટેનન્સ કરવા માટે સંબંધિત ગોપાલ ફાયર એજન્સીને નોટિસ ફટકારી સખત સૂચના આપવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, રાજકોટ સિવિલ હોસ્પિટલના ઝનાના બિલ્ડિંગમાં સ્થાપિત કરવામાં આવેલી ફાયર સેફ્ટી પેનલ છેલ્લા પાંચ મહિનાથી ટેકનિકલ ખામીના કારણે બંધ હાલતમાં છે. ઝનાના હોસ્પિટલમાં દરરોજ મોટી સંખ્યામાં સગર્ભા મહિલાઓ પ્રસૂતિ માટે આવતી હોય છે અને અહીં નવજાત શિશુઓનો વોર્ડ પણ આવેલો છે. જો આવી સંવેદનશીલ જગ્યાએ આગ જેવી કોઈ દુર્ઘટના બને, તો મોટી જાનહાનિ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. તંત્રની આ ગંભીર બેદરકારી સામે આવતા હવે એક્શન મોડમાં કામગીરી શરૂૂ કરવામાં આવી છે. તાજેતરમાં ઓડિશાના કટકમાં એક હોસ્પિટલમાં લાગેલી આગને કારણે જે કરુણ દ્રશ્યો સર્જાયા હતા, તેનાથી આખા દેશનું તંત્ર હચમચી ગયું છે. રાજકોટમાં આવી કોઈ ઘટનાનું પુનરાવર્તન ન થાય તે હેતુથી સિવિલ અધીક્ષક ડો. મોનાલી માંકડિયાએ સક્રિયતા બતાવી છે.
તેમણે ફાયર સેફ્ટીનું મેઇન્ટેનન્સ સંભાળતી ’ગોપાલ એજન્સી’ને તાત્કાલિક નોટિસ પાઠવી છે. આ નોટિસમાં સ્પષ્ટ જણાવાયું છે કે, ઝનાના વોર્ડ જેવી અતિ મહત્વની જગ્યાએ ફાયર પેનલ બંધ રહેવી તે અક્ષમ્ય છે અને તેનું તાત્કાલિક સમારકામ કરીને રિપોર્ટ સોંપવો. ઝનાના હોસ્પિટલ એટલે કે સ્ત્રી રોગ વિભાગમાં રોજે રોજ મહિલા દર્દીઓ અને બાળ દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. અહીં ઓપરેશન થિયેટર, લેબર રૂૂમ અને નવજાત શિશુ સઘન સારવાર વિભાગ જેવા સંવેદનશીલ વિભાગો કાર્યરત છે. સિવિલ સર્જનની સૂચના મુજબ, કોઈપણ સંજોગોમાં દર્દીઓની સુરક્ષા સાથે બાંધછોડ કરવામાં આવશે નહીં.
ફાયર પેનલનું મેઇન્ટેનન્સ કરીને સિસ્ટમને રનિંગ કન્ડિશનમાં લાવવા માટે એજન્સીને આખરી ઓલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. સિવિલ સર્જનની આ કડક કાર્યવાહી બાદ હવે હોસ્પિટલના અન્ય વિભાગોમાં પણ ફાયર સેફ્ટીના સાધનોની ચકાસણી કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં જો એજન્સી દ્વારા બેદરકારી દાખવવામાં આવશે, તો તેમની સામે કાયદેસરના પગલાં લેવાની પણ તૈયારી દર્શાવવામાં આવી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓ સુરક્ષિત રહે તે માટે ફાયર હાઈડ્રન્ટ સિસ્ટમ, સ્પ્રિંકલર અને એલાર્મ સિસ્ટમની ત્વરિત મરામત શરૂૂ કરવાના આદેશો છૂટ્યા છે.
