આરોપીના બચાવ પક્ષે વકીલ હાજર નહિ રહેતા મુદત પડી; અગાઉ એટીપી સહિત ત્રણ આરોપીની અરજી પર દલીલ થઈ’તી
રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં ચાર્જકેમ થાય તે પહેલા સમય મર્યાદામાં માત્ર પાંચ આરોપીઓએ ડિસ્ચાર્જ અરજી કરી હતી. જેમાં ત્રણ આરોપીની ડિસ્ચાર્જ અરજી પર બંને પક્ષની દલીલ પૂર્ણ થઈ હતી. આજે ચીફ ફાયર ઓફિસર ઠેબા અને એટીપીઓ ગૌતમ દેવશંકર જોષીની ડિસ્ચાર્જ અરજી પર આજે સુનાવણી હાથ ધરવા આવનાર હતી. પરંતુ આરોપીના બચાવ પક્ષે વકીલ હાજર નહિ રહેતા આગામી 23મી મેના રોજ બંને આરોપીઓની ડિસ્ચાર્જ અરજીની સુનાવણી હાથ ધરવામાં આવશે.
આ કેસની હકીકત મુજબ રાજકોટમાં કાલાવડ રોડ ઉપર આવેલ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત 27 લોકો ભડથું થઈ ગયા હતા. આ બનાવને ગંભીરતાથી લઈ ટીઆરપી ગેમઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગરપાલિકા અધિકારીઓ સહિતના સામે ગુનો નોંધી ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. ચાર્જશીટ થયા બાદ સેશન્સ અદાલતમાં ગત તા.19મી ડિસેમ્બરની મુદતે ટી.પી.ઓ. મનસુખ સાગઠીયા, એ.ટી.પી.ઓ. મુકેશ રામજી મકવાણા, જયદીપ ચૌધરી, ગૌતમ દેવશંકર જોષી અને ચીફ ફાયર ઓફિસર ઠેબાએ કેસ ચાર્જફમ થાય તે પહેલા તહોમતમાંથી બિનતહોમત (ડિસ્ચાર્જ) કરી છોડી મુકવા અરજીઓ દાખલ કરી હતી.
જેમાં ટી.પી.ઓ. મનસુખ સાગઠીયા, એ.ટી.પી.ઓ. મુકેશ રામજી મકવાણા અને જયદીપ ચૌધરીની ડિસ્ચાર્જ અરજી ઉપર બંને પક્ષે દલીલો પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે હુકમ ઓર્ડર ઉપર મોકૂફ રાખવામાં આવ્યો હતો. જ્યારે આજે ચીફ ફાયર ઓફિસર ઠેબા અને એટીપીઓ ગૌતમ દેવશંકર જોષીની ડિસ્ચાર્જ અરજી પર આજે સુનાવણી હાથ ધરવા આવનાર હતી. પરંતુ આરોપીના બચાવ પક્ષે વકીલ હાજર નહિ રહેતા આગામી 23મી મેના રોજ બંને આરોપીઓની ડિસ્ચાર્જ અરજીની સુનાવણી હાથ ધરવામાં આવશે.આ કેસમાં સ્પે.પી.પી. તુષાર ગોકાણી, એડી. સ્પે.પી.પી. નીતેશ કથીરીયા, ભોગ બનનાર પરીવાર વતી રાજકોટ બાર એશો.ના ઉપ પ્રમુખ સુરેશ ફળદુ, અને એન.આર.જાડેજા રોકાયા છે.
એસીબીના ગુનામાં ચીફ ફાયર ઓફિસર ઠેબાની જામીન અરજીમાં મુદત પડી
ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના બનાવમાં 27થી વધુ લોકોના ભોગ લેવાના બનાવમાં પકડાયેલા 15 આરોપી પૈકીના મહાપાલિકાના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બી. જે. ઠેબા વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો હતો. બંને ગુનામાં જેલ હવાલે રહેલા ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બી. જે. ઠેબાએ હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. જેમાં હાઇકોર્ટે અગ્નિકાંડ કેસમાં કરેલી જામીન અરજી ફગાવી દીધી હતી. જ્યારે અપ્રમાણસર મિલકતના કેસમાં કરેલી જામીન અરજીમાં ફરી મુદત પડી છે. આગામી 13 જુનના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.
