મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના નાલાસોપારામાં આવેલી 14 માળની ’ઈમ્પીરિયલ હાઈટ્સ’ ઈમારતમાં મંગળવારે મોડી રાત્રે લાગેલી આગમાં બે મહિલાઓના મોત થયા હતા અને લગભગ 25 થી 30 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આ આગને કારણે રહેવાસીઓ ઈમારતના ઉપરના માળે ફસાઈ ગયા હતા. આગ 11માં માળે લાગી હતી.
નાલાસોપારા-વસઈ લિંક રોડ પર આવેલા અચોલે વિસ્તારની આ બહુમાળી ઈમારતમાં રાત્રે લગભગ 11:30 વાગ્યે આગ લાગવાની જાણ થઈ હતી. વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર દળ, પોલીસ અને નાગરિક અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને રહેવાસીઓને બહાર કાઢવા માટે ફાયર એન્જિન તથા ટર્નટેબલ સીડીઓનો ઉપયોગ કર્યો હતો.
મૃત્યુ પામેલી મહિલાઓની ઓળખ ફાલ્ગુની શાહ અને અશ્વિની પારકર તરીકે થઈ છે, જે બંનેની ઉંમર 50 વર્ષ હતી. પ્રાથમિક તબીબી તપાસ સૂચવે છે કે ધુમાડો શ્વાસમાં જવાને કારણે તેમના મોત થયા હોઈ શકે છે.
મ્યુનિસિપલ કમિશનર પૃથ્વીરાજ બી.પી.એ જણાવ્યું હતું કે અગ્નિશામકોએ શરૂૂઆતમાં સીડીઓ અને અન્ય સાધનોનો ઉપયોગ કરીને લગભગ 15 થી 20 લોકોને બચાવ્યા હતા. અન્ય ઘણા રહેવાસીઓ જાતે જ ઈમારતમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. આ રીતે કુલ પચ્ચીસેક લોકો ઉગરી ગયા હતા.
