પારડી નજીક ટ્રાન્સફોર્મરમાં ભડાકા સાથે આગ ભભૂકી : રાહદારી માતા-પુત્ર દાઝી ગયા

રીબડામાં રહેતી મહિલા ત્રણ વર્ષના પુત્રને લઈ મામાજીના ઘરે જતી હતી ને આગની ઝપેટમાં આવી ગયા : 8 મહિના પહેલાં આ જ સ્થળે આગ લાગતા…

રીબડામાં રહેતી મહિલા ત્રણ વર્ષના પુત્રને લઈ મામાજીના ઘરે જતી હતી ને આગની ઝપેટમાં આવી ગયા : 8 મહિના પહેલાં આ જ સ્થળે આગ લાગતા પિતા-પુત્ર દાઝતા પિતાનું મોત થયું’ તુ

શાપર-વેરાવળના પારડી ગામ નજીક શિતળા મંદિર પાસે રસ્તા પર આવેલ પીજીવીસીએલના ટ્રાન્સફોર્મરમાં ભડાકા સાથે આગ ભભૂકી ઉઠી હતી. જેથી રસ્તા પરથી પસાર થતાં રાહદારી માતા-પુત્ર આગની ઝપેટમાં આવી જતાં ગંભીર રીતે દાઝી જવાથી તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રિબડા રહેતી મહિલા તેના ત્રણ વર્ષના પુત્ર સાથે શિતળા મંદિર પાસે રહેતા તેના મામાજીના ઘરે આંટો મારવા જતી હતી ત્યારે બનાવ બન્યો હતો.


જાણવા મળતી વિગત મુજબ રિબડા ગામે રહેતા બેબીબેન સરવટ ગીરી ઉ.વ.34 નામના મહિલા તેમના ત્રણ વર્ષના પુત્ર હયાત સાથે આજે બપોરે ચાલીને શિતળામાંના મંદિર પાસે રહેતા તેના મામાજી સસરાના ઘરે આંટો મારવા જઈ રહ્યા હતાં. દરમિયાન પારડી નજીક શિતળા મંદિર પાસે પહોંચતા ત્યાં રસ્તા પર આવેલુ પીજીવીસીએલના ટ્રાન્સફોર્મરમાં અચાનક ભડાકા સાથે આગ ભભૂકી ઉઠી હતી. ટ્રાન્સફોર્મર ફાટતા તેમાંથી ગરમ ઓઈલ રસ્તા પર ઢોળાતા અને તેના પર આગના તણખા ઉડતા રસ્તા ઉપર પણ આગ ભભુકી ઉઠી હતી. જેને પગલે ત્યાંથી પસાર થતાં બેબીબેન અને તેના ત્રણ વર્ષના પુત્ર પણ ઝપેટમાં આવી જતાં ગંભીર રીતે દાઝી ગયા હતાં. બન્નેને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.


ઉલ્લેખનીય છે કે, આઠ મહિના પહેલા પણ આ જ સ્થળે ટ્રાન્સફોર્મરમાં આગ લાગી હતી. જેમાં પણ ત્યાંથી પસાર થતાં પિતા-પુત્ર ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેમાંથી પિતાનું મોત નિપજ્યું હતું. ત્યારે આજે વધુ એક બનાવ બનતા ગ્રામજનોમાં પીજીવીસીએલની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *