જિલ્લામાં 21,412 નવા નામ ઉમેરાયા, કુલ 10.85 લાખથી વધુ મતદારો નોંધાયા-જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કર
ભારતના ચૂંટણી આયોગ દ્વારા તા. 27/10/2025થી જાહેર કરાયેલ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-2026 અંતર્ગત જામનગર જિલ્લાની આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કેતન ઠક્કરે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, તા. 01/01/2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં હાથ ધરાયેલી આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા. 17/02/2026ના રોજ આખરી મતદારયાદી જાહેર કરવામાં આવી છે.
રજૂ થયેલા હક્ક-દાવા અને વાંધાઓની સઘન સુનાવણી બાદ પ્રસિદ્ધ કરવામાં આવેલી આ યાદીમાં જિલ્લામાં કુલ 10,85,032 મતદારોનો સમાવેશ થાય છે. જેમાં 5,61,858 પુરુષો, 5,23,161 મહિલાઓ અને 13 અન્ય (ત્રીજી જાતિ)ના મતદારો નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, મુસદ્દા મતદારયાદીની પ્રસિદ્ધિ બાદ હાથ ધરવામાં આવેલી ઝુંબેશ દરમિયાન કુલ 21,412 નવા મતદારોના નામ ઉમેરવામાં આવ્યા છે.
આ ઉપરાંત સેવા મતદારોની પણ આખરી યાદી પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે અને તેની નકલ માન્ય રાજકીય પક્ષોને સુપરત કરવામાં આવી છે. કલેકટરએ વધુમાં જણાવ્યું હતું કે, કોઈપણ મતદાર પોતાનું નામ મતદારયાદીમાં છે કે નહીં તેની ચકાસણી કરવા માટે ચૂંટણી પંચના અધિકૃત પોર્ટલ https://electoralsearch.eci.gov.in/નો ઉપયોગ કરી શકે છે. જો કોઈ મતદાર નોંધણી અધિકારીના હુકમથી સંતુષ્ટ ન હોય, તો તેઓ હુકમની તારીખથી 15 દિવસની મર્યાદામાં જિલ્લા મેજીસ્ટ્રેટ અને જિલ્લા કલેક્ટરને રૂૂબરૂૂ અથવા https://voters.eci.gov.in/ પર ઓનલાઈન અપીલ કરી શકશે.
વિધાનસભા મતદાર વિભાગવાર વિગતવાર આંકડા
જિલ્લાના પાંચેય વિધાનસભા વિસ્તારોમાં મતદારોનું વિભાજન જોતા, 76-કાલાવડ (અ.જા.) બેઠક પર 2,12,845, 77-જામનગર (ગ્રામ્ય)માં 2,36,919, 78-જામનગર (ઉત્તર)માં 2,31,795, 79-જામનગર (દક્ષિણ)માં 1,90,498 અને 80-જામજોધપુર બેઠક પર 2,12,975 મતદારો નોંધાયા છે.
