લોઠડામાં સરકારી જમીન પર કબજો કરનાર 300 દબાણકારોને અંતિમ નોટિસ

રાજકોટ તાલુકાના લોઠડા ગામમાં સરકારી જમીનો પર થઈ ગયેલા ગેરકાયદેસર દબાણોને લઈને વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. તાલુકા મામલતદાર મકવાણા દ્વારા કડક વલણ અપનાવીને…

રાજકોટ તાલુકાના લોઠડા ગામમાં સરકારી જમીનો પર થઈ ગયેલા ગેરકાયદેસર દબાણોને લઈને વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. તાલુકા મામલતદાર મકવાણા દ્વારા કડક વલણ અપનાવીને લોઠડા ગામની કિંમતી સરકારી જમીન પર ગેરકાયદેસર કબ્જો જમાવીને બેઠેલા આશરે 300 જેટલા દબાણકર્તાઓને આખરી ચેતવણી આપતી નોટિસો ફટકારવામાં આવતા સમગ્ર પંથકના ભૂમાફિયાઓ અને દબાણકર્તાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, લોઠડા ગામના સર્વે નંબરની સરકારી જમીનો પર લાંબા સમયથી કેટલાંક તત્વો દ્વારા પાકા અને કાચા બાંધકામો તેમજ વ્યાવસાયિક હેતુ માટે ગેરકાયદેસર કબ્જો કરી લેવામાં આવ્યો હોવાની ફરિયાદો ઉઠી હતી. આ બાબતને ગંભીરતાથી લઈને રાજકોટ તાલુકા મામલતદાર શ્રી મકવાણા અને તેમની ટીમ દ્વારા સ્થળ તપાસ કરીને વિગતવાર સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વે દરમિયાન સામે આવ્યું કે 300થી વધુ આસામીઓએ સરકારી નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરીને જમીન દબાવી રાખી છે.

મામલતદાર કચેરી દ્વારા ઇસ્યુ કરાયેલી નોટિસમાં તમામ 300 દબાણકર્તાઓને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે, તેઓ નિયત સમયમર્યાદામાં પોતાના કાગળો રજૂ કરે અથવા તો સરકારી જમીન પરથી પોતાના ગેરકાયદેસર બાંધકામો સ્વેચ્છાએ અને પોતાના ખર્ચે દૂર કરી લે. જો આપેલા સમયગાળામાં આ દબાણો હટાવવામાં નહીં આવે, તો તાલુકા વહીવટી તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રાખીને ’મેગા ડિમોલિશન’ હાથ ધરવામાં આવશે અને તમામ દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવશે. આ સાથે જ દબાણ હટાવવાનો તમામ ખર્ચ પણ દબાણકર્તાઓ પાસેથી જ વસૂલવામાં આવશે તેવી કડક ચેતવણી આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *