આંગડિયા પેઢીમાં કર્મચારીના લમણે પિસ્તોલ રાખી 19 લાખની લૂંટ

રાજકોટ શહેરમાં સામા કાંઠે પટેલવાડીની સામે આવેલી પ્રાઈમ આંગડિયા પેઢીમાં આજે સવારે અંદાજીત સાડા દસેક વાગ્યે બે અજાણ્યા શખ્સોએ ઘુસીને પિસ્તોલ બતાવી હતી અને રૂૂ.…

રાજકોટ શહેરમાં સામા કાંઠે પટેલવાડીની સામે આવેલી પ્રાઈમ આંગડિયા પેઢીમાં આજે સવારે અંદાજીત સાડા દસેક વાગ્યે બે અજાણ્યા શખ્સોએ ઘુસીને પિસ્તોલ બતાવી હતી અને રૂૂ. 19 લાખની રોકડ ભરેલા થેલા સાથે લૂંટ ચલાવી હતી. આ બંને લૂંટારાઓ બાઈક પર સવાર થઈને ઘટનાને અંજામ આપી સંતકબીર રોડ પરથી હાઇવે તરફ ફરાર થઈ ગયા હતા.

આ સનસનાટીભર્યા બનાવની જાણ થતાં જ પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ ઘટનામાં પોલીસે આંગડિયા પેઢીમાં હાજર રહેલા કર્મચારી અલકેશ ગિરીશભાઈ દવે (રહે. ન્યુ જાગનાથ, યાજ્ઞિક રોડ) નું વિગતવાર નિવેદન નોંધીને તેમની ફરિયાદના આધારે ગુનો દાખલ કરવાની કાનૂની તજવીજ શરૂૂ કરી દીધી છે.
ફરિયાદી અલકેશભાઈએ પોલીસ સમક્ષ જણાવેલી વિગતો અનુસાર, આ પ્રાઈમ આંગડિયા પેઢીના મુખ્ય સંચાલક જયેશભાઈ ઓઝા છે અને તેઓ પોતે ઘણા સમયથી આ આંગડિયા પેઢીમાં નોકરી કરે છે. તેઓ આજે સવારે પોતાના નિત્યક્રમ મુજબ ઘરેથી પૈસાના થેલા લઈને નીકળ્યા હતા અને એક થેલો ગોંડલ રોડ પર સમૃદ્ધિ ભવનમાં આવેલી શાખામાં મૂકવા ગયા હતા.

ત્યાંથી તેઓ અંદાજીત સવારે 10:18 વાગ્યાની આસપાસ પટેલવાડી પાસે પહોંચ્યા હતા. તેમણે અહીં ઓફિસ ખોલીને અંદર પ્રવેશ કર્યો અને એક થેલો ત્યાં મૂક્યો હતો. તેઓ કંઈ વિચારે કે સમજે તે પહેલા જ અંદર એક અજાણ્યો શખ્સ ઘૂસી આવ્યો હતો અને ’બે પેટીનું આંગડિયું કરવાનું છે’ તેવું કહીને વાત કરી હતી. તે જ ક્ષણે બીજો શખ્સ પણ ઓફિસની અંદર આવી પહોંચ્યો હતો અને તુરંત જ અલ્કેશભાઈનો કાટલો પકડીને તેમના લમણે બંદૂક ધરી દીધી હતી. ત્યારબાદ ત્યાં પડેલો અંદાજીત રૂૂ. 19 લાખની રોકડ રકમ ભરેલો થેલો ઝુંટવીને બંને શખ્સો બાઈક પર સંતકબીર રોડ તરફ ભાગી છૂટ્યા હતા.

દિનપ્રતિદિન વધી રહેલા ગુનાખોરીના આંકડા વચ્ચે બનેલી આ ગંભીર લૂંટની ઘટનાની જાણ થતાં જ રાજકોટ પોલીસના અધિકારીઓ તાત્કાલિક હરકતમાં આવ્યા હતા. ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, ડીસીપી ઝોન-1 હેતલ પટેલ, એસીપી તેમજ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ અજીતસિંહ ચાવડા, પીઆઈ મનોજ ડામોર, પીઆઈ સી.એચ. જાદવ અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ જી.આર. ચૌહાણ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસે ઘટનાસ્થળની આસપાસના વિસ્તારનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું અને કર્મચારી અલકેશ દવેની પૂછપરછ કરી પ્રાથમિક વિગતો મેળવી હતી. હાલ ક્રાઈમ બ્રાન્ચ અને બી ડિવિઝન પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂૂ કરવામાં આવ્યો છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે લૂંટારાઓ અગાઉથી જ કર્મચારી અલકેશનો પીછો કરી રહ્યા હતા અને તેઓ ભાવનગર રોડ તરફથી જ આવ્યા હતા. ઓફિસ ખોલ્યાની સાથે જ તુરંત મોકો જોઈને તેઓ અંદર ઘૂસી ગયા હતા અને થેલો લૂંટીને ભાગી રહ્યા હતા ત્યારે ગભરાયા વગર અલ્કેશે મોટેથી દેકારો કરી મૂક્યો હતો. આ દેકારો સાંભળીને બાજુમાં જ આવેલી પાનની દુકાને બેઠેલા ગ્રાહક અશ્વિનભાઈ તુરંત જ દોડી આવ્યા હતા અને આરોપીઓ સામે પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ ઘટના સંદર્ભે રાજકોટ પોલીસે ખાતરી આપી છે કે આરોપીઓને પકડવા માટે તમામ સંભવિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ટેક્નિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવી નેટવર્કની મદદથી આરોપીઓનો રૂૂટ ટ્રેક કરવામાં આવી રહ્યો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, અલગ-અલગ ટીમો બનાવીને નાકાબંધી અને સઘન તપાસ હાથ ધરવામાં આવી છે તથા હાઇવે તેમજ આસપાસના વિસ્તારોમાંથી આરોપીઓ કઈ દિશામાં ગયા છે તેની પક્કી માહિતી મેળવવાની તજવીજ ચાલી રહી છે. પોલીસનો દાવો છે કે ટૂંક સમયમાં જ આ ગુનાને અંજામ આપનાર બંને લૂંટારાઓ પોલીસની પકડમાં હશે અને સમગ્ર કાવતરાનો પર્દાફાશ કરવામાં આવશે.

રાજકોટમાં 11 જેટલી પ્રાઈમ આંગડિયા પેઢીની શાખા, સંચાલકની પૂછપરછ
પ્રાઈમ આંગડિયા પેઢીની મુખ્ય બ્રાન્ચ ગુજરાતના અમદાવાદ શહેરમાં આવેલી છે અને સમગ્ર રાજ્યમાં તેની અનેક શાખાઓ કાર્યરત છે. માત્ર રાજકોટ શહેરની જ વાત કરવામાં આવે તો અહીં વિવિધ વિસ્તારોમાં અંદાજીત 11 જેટલી બ્રાન્ચો આવેલી છે, જેના માધ્યમથી નાણાકીય લેવડદેવડ અને કુરિયર સેવાઓનું કામકાજ ચાલે છે. હાલમાં જે બ્રાન્ચમાં લૂંટની ઘટના બની છે તે પટેલ વાડી સામે આવેલી શાખા છે, જેનું સમગ્ર સંચાલન જયેશભાઈ ઓઝા દ્વારા સંભાળવામાં આવે છે. આ ગંભીર ઘટનાની જાણ થતાં જ સંચાલક જયેશભાઈ ઓઝાને તાત્કાલિક ધોરણે જાણ કરવામાં આવી હતી અને તેઓ પણ ઘટનાસ્થળે પહોંચીને પોલીસને જરૂૂરી સહકાર આપી રહ્યા છે.

ફાકી ખાવા આવેલા ગ્રાહકે હિંમત દાખવી પ્રતિકાર કર્યો પરંતુ લૂંટારાએ તેમને પણ પિસ્તોલ બતાવી
રૂૂ. 19 લાખની આ મોટી લૂંટને અંજામ આપીને બે લૂંટારાઓ જ્યારે કર્મચારી અલકેશ દવેના લમણે બંદૂક રાખીને ભાગી રહ્યા હતા, ત્યારે આંગડિયા પેઢીની બાજુમાં જ આવેલી પાનની દુકાને બેઠેલા એક ગ્રાહક અશ્વિનભાઈએ અસાધારણ દાખલો બેસાડ્યો હતો. અલકેશભાઈનો દેકારો સાંભળતાની સાથે જ અશ્વિનભાઈ તુરંત જ આંગડિયા ઓફિસ તરફ દોડી ગયા હતા અને ભાગી રહેલા આરોપીઓ સામે સાહસ દાખવીને પ્રતિકાર કર્યો હતો. જો કે, આરોપીઓએ તુરંત જ તેમના પર હથિયાર તાકી દીધું હતું જેથી તેઓ આગળ વધી શક્યા ન હતા. આ ઘટના બાદ પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે શહેરમાં નાકાબંધી કરીને હાઇવે અને એક્ઝિટ પોઈન્ટ્સ પરના સીસીટીવી ફૂટેજ ચકાસવાની ખાસ કવાયત હાથ ધરવામાં આવી છે.

હથિયારબંધી સામે પોલીસની ડ્રાઇવ છતાં બેફામ બનેલા લૂંટારાઓ
રાજકોટ પોલીસ દ્વારા છેલ્લા પખવાડિયાથી જાહેરમાં મોજશોખ માટે અથવા ગેરકાયદેસર રીતે હથિયાર લઈને ફરતા શખ્સોને શોધીને ઝડપી પાડવા માટે વિશેષ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. આ ડ્રાઇવ અંતર્ગત અત્યાર સુધીમાં બંદૂક અને અન્ય હથિયારો સાથે અંદાજીત 20 થી વધુ શખ્સોને પોલીસે ઝડપી પણ લીધા છે. તેમ છતાં, પોલીસની આ કડક કાર્યવાહી વચ્ચે પણ ધોળા દિવસે આ પ્રકારે પિસ્તોલ બતાવીને લાખો રૂૂપિયાની લૂંટની ઘટના બનતા કાયદો અને વ્યવસ્થા સામે અનેક પ્રકારના ગંભીર સવાલો ઊભા થયા છે. સામાન્ય પ્રજામાં સુરક્ષાને લઈને ડરનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે હવે ગુનેગારો પોલીસના ડ્રાઇવ કે કાયદાના ડર વગર જાહેરમાં હથિયારો સાથે સક્રિય બન્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *