માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી

કોંગ્રેસ કાર્યકરો પર બૂથ કેપ્ચરિંગનો ભાજપનો આરોપ, ભાજપ મતદારોને પ્રભાવિત કરવા પ્રયાસ કરતુ હોવાનો કોંગ્રેસનો પલટવાર વડોદરાની 145 માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં પંચશીલ વિદ્યાલય નજીક…

કોંગ્રેસ કાર્યકરો પર બૂથ કેપ્ચરિંગનો ભાજપનો આરોપ, ભાજપ મતદારોને પ્રભાવિત કરવા પ્રયાસ કરતુ હોવાનો કોંગ્રેસનો પલટવાર

વડોદરાની 145 માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં પંચશીલ વિદ્યાલય નજીક ભાજપ-કોંગ્રેસ કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી. ભાજપના કાર્યકરો ઢોલ-નગારા વગાડી, ખેસ પહેરી પ્રચાર કરતા કોંગ્રેસે વિરોધ કર્યો. આચારસંહિતા ભંગના મુદ્દે ઉગ્ર બોલાચાલી બાદ ધક્કામુક્કી અને મારામારી થઈ. પોલીસે સ્થિતિ થાળે પાડવા સુરક્ષા વધારી. ભાજપે બુથ કેપ્ચરિંગનો આરોપ મૂક્યો, કોંગ્રેસે ભાજપ પર નિયમો ભંગનો પલટવાર કર્યો.

વડોદરાના 145 માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના મતદાન દરમિયાન પંચશીલ વિદ્યાલય સ્થિત મતદાન મથક નજીક ભાજપ-કોંગ્રેસના કાર્યકરો આમને-સામને આવી જતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. ભાજપના કાર્યકરો દ્વારા ઢોલ-નગારા વાગડવા અને પક્ષના ખેસ પહેરીને પ્રચાર કરવાના મુદ્દે કોંગ્રેસે ભારે વિરોધ નોંધાવ્યો હતો. આ વિવાદ જોતજોતામાં વધી જતાં બંને પક્ષના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ધક્કામુક્કી અને મારામારી થઈ હતી.

મળતી માહિતી અનુસાર, પંચશીલ વિદ્યાલય ખાતે આવેલા મતદાન મથક નજીક ભાજપના કાર્યકરો પક્ષના ખેસ પહેરીને તેમજ ઢોલ-નગારા સાથે મતદાન જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા હતા. કોંગ્રેસના કાર્યકરોએ આ પ્રવૃત્તિને આદર્શ આચારસંહિતાનો ખુલ્લો ભંગ ગણાવી સામે વિરોધ દર્શાવ્યો હતો.
આ મુદ્દે બંને પક્ષો વચ્ચે સામસામે વિવાદ ઊભો થયો હતો, જે બાદ મામલો ઉગ્ર બનીને મારામારી સુધી પહોંચ્યો હતો.

હંગામાની ઘટના બાદ ભાજપ દ્વારા કોંગ્રેસ પર અત્યંત ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. ભાજપના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસના કાર્યકરોએ કાયદો હાથમાં લઈને મારામારી કરી હતી અને મતદાન મથક પર બુથ કેપ્ચરિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો.

બીજી તરફ કોંગ્રેસે ભાજપના આક્ષેપોને ફગાવીને વળતો પ્રહાર કર્યો છે. કોંગ્રેસનું કહેવું છે કે ભાજપ ચૂંટણી નિયમોના ધજાગરા ઉડાડીને મતદાન મથકની બિલકુલ નજીક ઢોલ-નગારા સાથે પ્રચાર કરી મતદારોને પ્રભાવિત કરવાનો ગેરકાયદે પ્રયાસ કરી રહી હતી, જેનો વિરોધ કરવામાં આવ્યો હતો. ઘટનાને પગલે મતદાન મથક બહાર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થિતિ વધુ ન વણસે તે માટે પોલીસ અને સુરક્ષાદળોનો કાફલો સ્થળ પર ખડકી દેવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *